
આહવા: તા: ૦9: ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે કાર્યરત ARTO કચેરી (સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, પુણી કેન્દ્રના કમ્પાઉન્ડમાં, વઘઈ) પોતાના સરકારી કામે આવતા વ્યક્તિઓ સિવાયના અનધિકૃત ઈસમોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.
ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી યુ.વી.પટેલ દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર સરકારશ્રી દ્વારા મોટરિંગ પબ્લિક સાથે થતી છેતરામણી અને ગેરકાયદેસર પ્રવૃતિઓને રોકવા માટે એજન્ટ પ્રથા નાબુદ કરવામાં આવી છે. ત્યારે આ કચેરીના કમ્પાઉન્ડમા સરકાર માન્ય RTO એજન્ટ તરીકેના પોતાના વિઝિટિંગ કાર્ડ છપાવી કે પોતાના ખાનગી વાહનોના બેનર લગાવી મોટરિંગ પબ્લિકને ભોળવીને છેતરપિંડી કરતાં વ્યક્તિઓ, કચેરીની કામગીરીમાં રૂકાવટ ઊભી કરી એક જાતનું ધાકધમકી કે ભયનું વાતાવરણ ઊભું કરતાં હોય છે. જેને લઈને સરકારી કચેરીમાં કામ કરતાં કર્મચારી/અધિકારીઓમાં પણ અસુરક્ષિતતાની લાગણી જોવા મળે છે.
આ બાબતને ધ્યાને લઈ મોટર પબ્લિક કામ સરળ અને નિયમોનુસાર થાય, તેઓ લેભાગુ તત્વોથી છેતરાય નહિ અને બિનઅધિકૃત વ્યક્તિઓ કચેરીમાં અડચણરૂપ ન બને, તથા અહીં કામ કરતાં કર્મચારીઓ સ્વસ્થ ચિત્તે, ભયની લાગણી વગર, ધારાધોરણ મુજબની કામગીરી તટસ્થતાપૂર્વક નિભાવી શકે તે હેતુસર આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેની સંબંધકર્તા સૌને નોંધ લેવા જણાવાયું છે.
–