છોટાઉદેપુર જિલ્લામાં પરિવહન સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે પાણીબારથી બોડેલી નવી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી બસ સેવાનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા ના હસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે બોડેલી ડેપો એ.ટી.એસ. શ્રી યાસીનભાઈ, પાવીજેતપુર તાલુકા સંગઠન મહામંત્રી શ્રી ચંદ્રસિંહભાઈ કોળી, એસ.ટી.ના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બસ સેવાની શરૂઆતથી પાણીબાર, પાવીજેતપુર તથા આસપાસના ગામોના નાગરિકોને બોડેલી સહિત તાલુકા મથક સુધી આવવા-જવા માટે સરળતા મળશે. ખાસ કરીને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે, રોજગારીધંધાર્થીઓને વ્યવસાય માટે તેમજ દર્દીઓને સારવાર માટે મુસાફરીમાં આ નવી સેવા આશીર્વાદરૂપ સાબિત થશે. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન સુવિધાઓ વધારવાના સતત પ્રયાસ અંતર્ગત આ નવી બસ સેવાનું પ્રારંભ સ્થાનિક જનતા માટે અત્યંત સુખદ પ્રસંગ ગણાયો છે.