ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)-ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૫માં લેવાયેલી ધોરણ-૧૨ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં છોટાઉદેપુર જિલ્લાનું સામાન્ય પ્રવાહનું ૯૩.૬૧ અને વિજ્ઞાન પ્રવાહનું ૬૨.૧૧ ટકા પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં ૫૩૨૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને ૪૯૮૧ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા હતા. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૮૪૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા જેમાંથી ૫૨૩ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા હતા. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામની વિગતો આપતા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી. આનંદ પરમારે જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં ૧૦.૭૫ ટકાનો વધારો જ્યારે સામાન્ય પ્રવાહના પરિણામ ૨.૦૭ ટકા વધારો થયો હતો. સામાન્ય પ્રવાહમાં પરિણામમાં ભૈસાવહી કેન્દ્રમાં સૌથી વધારે ૯૯.૦૩ ટકા પરિણામ જ્યારે સૌથી ઓછું પરિણામ ભીખાપુરા કેન્દ્રનું ૯૩.૦૩% આવ્યું હતું. જયારે વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ બોડેલી કેન્દ્રનું ૭૯.૪૭ ટકા અને ઓછુ છોટાઉદેપુર કેન્દ્રનું ૫૪.૯૪ ટકા પરિણામ હતું. જિલ્લામાં સામાન્ય પ્રવાહની ૨૯ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં ૩ શાળાઓનું ૧૦૦ પરિણામ આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, છોટાઉદેપુર જિલ્લામાં સામાન્ય પ્રવાહના ૯૩.૬૧% પરિણામ સાથે A1 કેટેગરીમાં ૦૩, A2માં કેટેગરીમાં ૧૮૨, B1 કેટેગરીમાં ૯૫૯, B2 કેટેગરીમાં ૧૬૯૯, C1 કેટેગરીમાં ૧૫૩૬, C2 કેટેગરીમાં ૫૮૩ અને D કેટેગરીમાં ૧૯ વિધાર્થીઓનું પરિણામ આવ્યું હતું. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં ૬૨.૧૧ % પરિણામમાં A2 કેટેગરીમાં ૦૫, B1 કેટેગરીમાં ૨૭, B2 કેટેગરીમાં ૬૯, C1 કેટેગરીમાં ૧૬૨, C2 કેટેગરીમાં ૨૧૧ અને D કેટેગરીમાં ૪૯ વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૦.૮૫ ટકા પરિણામ સાથે શ્રી કવાંટ ઇગ્લિશ સ્કૂલ, કવાંટ ખાતે અભ્યાસ કરતા પ્રથમ ક્રમાંકે અમીન મિરલ વિજયભાઈ, ૯૦.૭૧ ટકા સાથે ડી. બી. પારેખ સાર્વજનિક હાઇસ્કુલ, સંખેડા ખાતે અભ્યાસ કરતા બીજા ક્રમાંકે પરમાર ઈશાબેન નરેન્દ્રભાઈ અને ૯૦.૫૭ ટકા સાથે કન્યા સાક્ષરતા નિવાસી શાળા, છોડવાણી ખાતે અભ્યાસ કરતા ત્રીજા ક્રમાંકે રાઠવા મિરલબેન પ્રવીણભાઈ આવ્યા હતા. ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૯૧.૫૪ ટકા સાથે એચ.એચ.શિરોલાવાલા હાઇસ્કુલ, બોડેલી ખાતે અભ્યાસ કરતા પ્રથમ ક્રમાંકે ખત્રી જૈનબબાનું જમીલભાઈ, ૮૭.૫૪ ટકા સાથે એચ.એચ.શિરોલાવાલા હાઇસ્કુલ, બોડેલી ખાતે અભ્યાસ કરતા બીજા ક્રમાંકે રાઠવા હિમાંશુકુમાર દેવેન્દ્રભાઈ અને ૮૪.૧૫ ટકા સાથે બી.એ.પી.એસ., બોડેલી ખાતે અભ્યાસ કરતા ત્રીજા ક્રમાંકે રાઠવા સોહમકુમાર વિજયકુમાર આવ્યા હતા.