
કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક એક શંકાસ્પદ વિસ્ફોટ થયો હતો. ખાવડા પાસે ધ્રોબાણા ગામમાં એક શંકાસ્પદ ઊડતી વસ્તુ હાઇ ટેન્શન પાવર લાઇન સાથે અથડાતાં વિસ્ફોટ થયો હતો. આ ઘટના સવારે 6 વાગ્યા પહેલાં બની હતી. વાયુસેના આ મામલાની તપાસ કરી રહી છે, સાથે જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. શંકાસ્પદ ઊડતી વસ્તુ સરહદ પારથી આવી હતી કે નહીં એની કોઈ પુષ્ટિ થઈ શકી નથી.
શંકાસ્પદ ઊડતી વસ્તુ વીજપોલ સાથે ટકરાઈ ભુજના દુર્ગમ ખાવડાના સરહદી ધ્રોબાણા ગામમાં પ્રતિબંધિત વિસ્તારમાં આજે વહેલી સવારે સંદિગ્ધ વસ્તુ ધ્યાનમાં આવતાં સુરક્ષા દળ અને વિવિધ એજન્સીઓ સતર્ક બની છે. આ મામલે સઘન તપાસ કામગીરી હાથ ધરી છે. સંભવિત કોઈ ઊડતી વસ્તુ RI પાર્કના વીજપોલ સાથે ટકરાઈને પડ્યો હોય અથવા તોડી પડાયો હોવાની વાત છે.
એરફોર્સ તપાસ કરી રહ્યું છે: પશ્ચિમ કચ્છ એસપી ભાસ્કરે આ મામલે પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા સાથે વાત કરતાં તેમણે ઘટનાને સમર્થન આપતાં જણાવ્યું હતું કે ખાવડા નજીક કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવતાં પોલીસ તરત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એનો કબજો એરફોર્સ વિભાગને સોંપવામાં આવ્યો છે. આ અંગે આગળની તપાસ એરફોર્સ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં બીએસએફ પણ સામેલ છે.