उदैपुरगुजरात

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધારતા આદિવાસી સમાજના ભરત રાઠવા

પરંપરાગત જીવનશૈલીને અપનાવતા ભરતે ભાલાફેંક રમતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત અને છોટાઉદેપુરનું નામ રોશન કર્યું

આદિવાસી યુવાનો અને યુવતીઓ શારીરિક રીતે ખડતલ અને મજબૂત હોવા સાથે પરંપરાગત રમતો જેવી કે દોડ, તિરંદાજી, કબડ્ડી, ખો-ખો, ગોળાફેંક અને ભાલાફેંકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. છોટાઉદેપુર તાલુકાના વનાર ગામના ખેડૂતપુત્ર ભરત રાઠવાએ પરંપરાગત ભાલાફેંક રમતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત અને છોટાઉદેપુરનું નામ રોશન કર્યું છે. બચપનથી જ ભરતને ક્રિકેટનો શોખ હતો અને તેમણે બરોડા હિન્દુ જીમખાના ખાતે અંડર-૧૯ માટે પ્રેક્ટિસ શરૂ કરી હતી. પરંતુ કોરોનાની ગંભીર મહામારીના કારણે તેમની પસંદગી થઈ ન શકી. અભ્યાસ દરમિયાન ડોન બોસ્કો શાળામાં યોજાતા સ્પોર્ટ્સ ડેમાં તેઓ સતત ભાલાફેંકમાં મેડલ હાંસલ કરતાં હતા. ભરતભાઈની સફળતાની યાત્રા વર્ષ ૨૦૨૧ થી જ થઈ હતી. જ્યાં હિંમતનગર ખાતે યોજાયેલી એથલેટિક ચેમ્પિયનશીપમાં ભાલાફેંક સ્પર્ધામાં પ્રથમ પ્રયત્ને તૃતીય ક્રમે આવી બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. આ સફળતાએ તેમને વધુ ઉત્સાહ આપ્યો અને તે જ વર્ષે રાજકોટમાં યોજાયેલી એથલેટિક ચેમ્પિયનશીપમાં તેમણે સિલ્વર મેડલ જીત્ય હતો. ત્યારબાદ વર્ષ ૨૦૨૨ માં મોરબી ખાતે ઓપન નેશનલ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. અને આમ, ભરત સતત સંઘર્ષથી સફળતાના માર્ગે અગ્રેસર બન્યો. ભરતભાઈને ધ એસોસિએશન ફોર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ ઇન્ડિયામાં પસંદગી મળી. ૨૦૨૨ માં નેપાળના પોખરામાં યોજાયેલી ઓપન ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં તેમણે ભાલાફેકમાં ગોલ્ડ મેડલ જીત્યો તેમજ વર્ષ ૨૦૨૩ માં ગુજરાત સ્ટેટ એથલેટિક એસોસિએશન દ્વારા આયોજિત બીજા નેશનલ ભાલાફેક ડે માં પણ તેમણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. બાઈક અકસ્માતમાં તેમના જમણા હાથમાં ઇજા થઇ હાથમાં પ્લેટ ફિટ કરવામાં આવી આ પરિસ્થિમાં પણ આ રમતવીરને મકકમ મનોબળ સાથે રમતની પ્રેકટીસ ચાલુ રાખી અને વર્ષ ૨૦૨૫માં ફરી એકવાર પોખરા, નેપાળ ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ ગેમ્સમાં તેમણે ૭૦.૨૫ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. માતા-પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ તેઓ મોટા ભાઈ-ભાભી તથા બહેન-બનેવી સાથે રહે છે. રમતની પ્રેક્ટિસ બાદ તેઓ પોતાના ભાઈને ખેતીકામમાં મદદરૂપ થાય છે. નોંધનીય છે કે, ભરતભાઈને ખેતીકામની સાથે ટ્રેકટર ચલાવવું ખૂબ ગમે છે. આજના રમતવીરો જે વિવિધ પ્રોટીન શેક દ્વારા પોતાની શક્તિ વધારવાનો પ્રયાસ કરે છે, ત્યાં ભરતભાઈ પોતાના ખેતરમાં ઉગાડેલી દાળોને મિક્ષ કરીને ભોજનરૂપે લેવાનું પસંદ કરે છે. નોંધનીય છે કે, ભરતનો આગામી લક્ષ્યાંક વર્લ્ડ એથલેટિક ચેમ્પિયનશીપ ટોક્યો, ૨૦૨૫ છે. પોતાના લક્ષ્ય સુધી પહોંચવા તેમણે પોતાની મનપસંદ બુલેટ વેચી તે પૈસાથી હાલમાં પટીયાલામાં કોચ સમરજીત મલિકના માર્ગદર્શન હેઠળ ટોક્યો ખાતે તા. ૨૧-૦૯-૨૦૨૫ ના રોજ યોજાનારી વર્લ્ડ એથલેટિક ચેમ્પિયનશીપ માટે તૈયારી કરે છે. આ માટે તેઓ તા.૨૭-૦૭-૨૫ના રોજ બિહાર ખાતે યોજાનારી મિડ નેશનલ માટે સિલેક્શનની તૈયારી કરી રહ્યા છે. ભવિષ્યમાં ભારત અને ગુજરાતના ગૌરવ માટે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા હાંસલ કરે તે માટે છોટાઉદેપુર જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈન તેમજ સમગ્ર વહીવટી તંત્ર તેઓને શુભેચ્છાઓ પાઠવે છે.

વિરેન્દ્રસિંહ દેસાઈ  છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!