છોટાઉદેપુર જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત “જિલ્લા કક્ષા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમ ઈ.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમારના અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરીના વી સી હોલ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લામાંથી કુલ ૨૦ જેટલા નાગરિકોએ પોતાના વ્યક્તિગત તથા જાહેર હિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા સ્વાગતમાં પ્રશ્નો રજૂ કરનારા અરજદારોને વ્યક્તિગત સાંભળ્યા બાદ તેમના પ્રશ્નોના નિકાલ માટે કરવાની થતી કામગીરી ઝડપભેર કરવા અને પ્રશ્નના મૂળ સુધી જઈને તેની યોગ્ય તપાસ કરી નિકાલ કરવા અંગે ઈ.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ખેતીવાડી થ્રી ફેઝ લાઇન, ગૌચર જમીન દબાણ, પ્રાથમિક શાળાના ઓરડાઓ, ગામના રસ્તાઓ, ગેરકાયદેસરના બાંધકામ બાબતે, જંગલ જમીન રેવન્યુ રેકર્ડમાં નામ નાખવા અને મહેસૂલના રજૂ થયા હતા. આ પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવા અંગેના અરજદારો સમક્ષ સંબંધિત વિભાગો દ્વારા કરેલી કામગીરીની માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધીક્ષક ઈમ્તિયાઝ શેખ, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા અને મદદનીશ કલેકટર મુસ્કાન ડાગર, અધિક નિવાસી કલેકટર શૈલેષ ગોકલાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.