સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા કક્ષાની અને ૧૩૭ વિધાનસભાની ભવ્ય પદયાત્રા ઝંડાચોક થી કાલીનીકેતન કંપાઉન્ડ ઘેલવાંટ સુધી યોજાઈ હતી. પદયાત્રાને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. મહાનુભાવોને હસ્તે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલી આપવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે યોજવામાં આવેલ પદયાત્રા રાષ્ટ્ર નિર્માણના સરદાર પટેલના આદર્શો અને સંકલ્પોને પુનઃ સમર્પિત થવાનો અવસર છે. ખેડૂતોનું શોષણ ન થાય તે પ્રકારે દેશના ખેડૂતો માટે સરદાર પટેલે અનેક લડતો અને સત્યાગ્રહો કર્યા હતા. દેશમાં આંતરિક સંઘર્ષ ન થાય તે માટે સરદાર પટેલે લોકોને એક જુથ કરી એકતા લાવવાનું કામ કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી પછી દેશના ૫૬૨ રજવાડાઓના વિલીનીકરણથી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એકતાના મંત્રને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’થી સાકાર કર્યો છે. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના શ્રી કૌશલભાઈ દવેએ સરદાર વલ્લભભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન તેમણે કરેલા કામોનું વર્ણન કર્યું હતું. સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. મહાનુભાવોના હસ્તે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમના અંતે સૌ મહાનુભાવોએ ‘નશા મુક્ત ભારત અભિયાન’ અંગેના શપથ લીધા હતા. જિલ્લા કક્ષાની પદયાત્રા દરમિયાન મહાનુભાઓ દ્વારા ઝંડાચોક ભગતસિંહની પ્રતિમાને ફુલહાર થી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરી પોસ્ટ ઓફીસ થી નગરસેવા સદન ભગવાનશ્રી બિરસામુંડાજીની પ્રતિમાને ફુલહાર કરી એસ.એફ. હાઇસ્કુલ સ્વામી વિવેકાનંદજીની પ્રાતિમાને ફુલહાર કરી પેટ્રોલપંપ ચાર રસ્તા થી આંબેડકર ચોક થી ગુરુકૃપા સોસાયટી થી નીલકંઠ હોસ્પીટલ થી ફતેપુરા નાકા પાસેથી કાલીનીકેતન કંપાઉન્ડ ઘેલવાંટ ખાતે પૂર્ણ થઈ હતી. આ પદયાત્રાને નગરજનો દ્વારા ઉમળકાભેર યાત્રાને આવકારી સરદાર સાહેબની વિરાસતને યાદ કરી હતી. આ જિલ્લા કક્ષાની પદયાત્રામાં પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ, મદદનીશ કલેકટર મુસ્કાન ડાગર, નિવાસી અધિક કલેકટર શૈલેશ ગોકલાણી, અગ્રણી ઉમેશભાઈ રાઠવા, છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ- કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો પદયાત્રામાં જોડાયા હતા