ભારતભરમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, એટલે કે ૩૧મી ઓક્ટોબરના દિવસને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે, જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદનના અધિકારીઓ અને કર્મચારીઓએ એકતા શપથ ગ્રહણ કર્યા હતા. ભારતીય સ્વતંત્રતા ચળવળના અગ્રગણ્ય સેનાની અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪ થી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યુ છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા શપથ દિવસ નિમિત્તે કર્મયોગીઓ દ્વારા રાષ્ટ્રભાવના યથાવત રાખવાના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં અધિકારીઓ- કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવાના સંકલ્પ સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની શપથ’ લીધી હતી. આ શપથ સમારોહનો ઉદ્દેશ સરકારી કચેરીઓના કર્મચારીઓમાં રાષ્ટ્ર ભાવના અને એકતાની ભાવનાને વધુ મજબુત કરવાનો હતો.