उदैपुरगुजरात

છોટાઉદેપુરમાં મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ભવ્ય ઉજવણી કરાઈ

બોડેલી તાલુકાની સાગવા અને ઉટકોઇ ગ્રામ પંચાયતોની ઇ-રિક્ષાને લીલી ઝંડી આપતા- મંત્રીશ્રી રાઘવજીભાઈ

ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની સમગ્ર દેશમાં ઉજવાઈ રહી છે. જે અંતર્ગત, છોટાઉદેપુર તાલુકાના સ્વામિનારાયણ હોલ ખાતે પણ કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે પરંપરાગત પૂજા-વિધિ બાદ આદિજાતી વિસ્તારના ગ્રામજનો દ્વારા ટીમલી નૃત્ય રજૂ થયું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાએ માત્ર ૨૫ વર્ષની ઉંમરે જ આદિવાસી હકો માટે અંગ્રેજો સામે લડત શરૂ કરી હતી. જળ, જમીન અને જંગલના સંરક્ષણ માટે તેઓ જીવનભર અડગ રહ્યા.મૂળ ધર્મ-સંસ્કૃતિની રક્ષા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સમાજને જોડવાનું તેમનું યોગદાન બહુમૂલ્ય છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આદિજાતિ સમુદાયના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં છે. માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને અને રોજગાર અવસરો સર્જીને, છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચાડવાનો સરકારનો નિર્ધાર છે. કાર્યક્રમમાં સાંસદશ્રી જશુભાઈ રાઠવા અને ધારાસભ્યશ્રી રાજેન્દ્રભાઈ રાઠવાએ પણ પ્રાસંગિક વિચારો રજૂ કર્યા હતા. મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસ અમિરાજ ખવડએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા સ્તરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને રમતવીરોને સન્માન પત્રો આપવામાં આવ્યા. સાથે જ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કિટ અને મંજૂરી હુકમો વિતરણ કરવામાં આવ્યા હતા.વિવિધ વિભાગો દ્વારા લગાવેલ સ્ટોલોનું મંત્રીશ્રી સહીત મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ અંતર્ગત ડોર ટૂ ડોર કચરો કલેકશન માટે બોડેલી તાલુકાની સાગવા અને ઉટકોઇ ગ્રામ પંચાયતોની ઇ-રિક્ષાને લીલી ઝંડી આપી હતી. આ તકે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, મદદનિશ કલેક્ટર મુસ્કાન ડાગર,તાલુકા પંચાયત પ્રમુખશ્રી કલ્પનાબહેન રાઠવા, નગરપાલિકા પ્રમુખશ્રી.મંજૂલાબહેન કોલી, પૂર્વ સાંસદશ્રી.નારણભાઈ રાઠવા સહિત અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ, સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!