છોટાઉદેપુર જિલ્લા વહીવટ તંત્ર દ્વારા દરબાર હોલ ખાતે જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં અંગદાન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર અને પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્માની પ્રેરક ઉપસ્થિતિમાં જોયાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈને જણાવ્યું હતું કે, અંગદાન થકી આપણે અન્ય લોકોને જીવનદાન આપી શકીએ છીએ. આપણે જીવતા હોય ત્યારે અને મૃત્યુ પછી પણ અંગદાન કરી શકીએ છીએ. અંગદાન વિશે જનજાગૃત્તા લાવવાના હેતુથી અંગદાન અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા અને લીવર ટ્રાન્સપ્લાન્ટથી નવજીવન મેળવનારા શ્રી દિલીપભાઈ દેશમુખ દ્વારા અંગદાન જાગૃતિ અંગે વક્તવ્યમા જણાવ્યું હતું કે, એક બ્રેન ડેડ વ્યક્તિના અંગદાનથી ૮ થી ૧૧ લોકોને નવજીવન આપી શકાય છે. અંગદાન બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ કે જેઓને તબીબી દ્વારા બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હોય તે તમામ અંગદાન કરી શકે છે. આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર શૈલેશ ગોકલાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલ સંગાડા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, અગ્રણી ઉમેશ રાઠવા, એએમએના પ્રમુખ ડૉ.સ્નેહલ રાઠવા, પ્રાંત અધિકારીશ્રી ડૉ.વિમલ બારોટ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ભરતસિંહ ચૌહાણ, એ.ડી.એચ.ઓ પોલ વસાવા સહીત અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.