

ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને ડાંગ જિલ્લાના સ્થાનિક ધારાસભ્ય વિજયભાઈ પટેલનાં હનવતચોંડ ગામ અને નડગખાદીને જોડતા માર્ગપર રાત્રિ દરમિયાન એક કદાવર દીપડો લટાર મારતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો છે.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં આવેલા હનવતચોંડ અને નડગખાદી આ બંને ગામો વચ્ચેના મુખ્ય માર્ગપર દીપડાના આંટાફેરાથી સ્થાનિક ગ્રામજનોમાં દહેશત વ્યાપી ગઈ છે. આ ઘટનાનો વીડિયો ગામના યુવાને પોતાના મોબાઈલમાં કેદ કરીને વાયરલ કર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રાત્રિના સમયે દીપડો કોઈપણ જાતના ડર વિના જાહેર રસ્તા પર શાંતિથી ચાલી રહ્યો છે. આ દ્રશ્ય સ્થાનિકો માટે ચિંતાનો વિષય બન્યું છે, કારણ કે આ રસ્તો બંને ગામોના લોકો માટે અવરજવરનો મુખ્ય માર્ગછે. રાત્રિના સમયે ખેડૂતો, મજૂરો અને અન્ય ગ્રામજનો આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે.









