ભાટસણ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો

પાટણ | સરસ્વતી તાલુકાના ભાટસણ આંગણવાડી કેન્દ્ર ખાતે ‘આંગણ મિલન સેવા કાર્યક્રમ’ની ઉજવણી ભાટસણ પી.એમ.શ્રી શાળાના શિક્ષક નિલેશભાઈ શ્રીમાળીના અધ્યક્ષ સ્થાને તથા સરપંચ શ્રી ભાટસણ અને આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. કાર્યક્રમમાં બાળકોના પોષણ, માતાઓના સ્વાસ્થ્ય અને સરકારી યોજનાઓ અંગે ગ્રામજનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
પોતાના વક્તવ્યમાં નિલેશભાઈ શ્રીમાળીએ પોષણ અંગે જાગૃતિ લાવવા અને તંદુરસ્ત સમાજના નિર્માણમાં સહભાગી થવા ગ્રામજનોને અપીલ કરી હતી.આ પ્રસંગે મુખ્ય સેવિકા વનિતાબેન ત્રિવેદી દ્વારા ઉપસ્થિત કિશોરીઓ અને માતાઓને સ્વાસ્થ્યની જાળવણી, વ્યક્તિગત સ્વચ્છતા તથા પોષણક્ષમ આહાર અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બાળકોના આરોગ્ય અને પોષણને પ્રાધાન્ય આપતાં ઉપસ્થિત બાળકોને તાજાં ફળો અને પૌષ્ટિક સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના પોષણ સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હોય તેવા બાળકોને ‘પોષણ ચેમ્પિયન’ જાહેર કરી મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
•આંગણવાડી કાર્યકર, આંગણવાડી તેડાગર અને આશા કાર્યકરોનું સન્માન
ગ્રામ્ય સ્તરે ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર આંગણવાડી કાર્યકર અને આશા કાર્યકર બહેનોની કામગીરીની સરાહના કરવામાં આવી હતી. મહાનુભાવોના હસ્તે તેમને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.મહિલા સશક્તિકરણ અને સ્વાસ્થ્ય જાગૃતિના ભાગરૂપે સગર્ભા અને ધાત્રી બહેનો તેમજ કિશોરીઓને મુખ્યમંત્રીશ્રીનો વિશેષ સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. ઉપરાંત, સરકારી યોજના હેઠળ લાભાર્થી બહેનોને ટેક હોમ રાશન (THR)ના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.ગ્રામ્ય સ્તરે કુપોષણ નાબૂદ કરવાના હેતુથી લાભાર્થીઓને પૌષ્ટિક આહારના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી અને બાળકોના સર્વાંગી વિકાસ માટે પોષણ તથા આરોગ્યની કાળજી રાખવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
•ચિત્ર સ્પર્ધા
આ કાર્યક્રમમાં બાળકો અને કિશોરીઓ માટે ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, પ્રજામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને મહાનુભાવોના વરદ હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
•મહાનુભાવો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
આ કાર્યક્રમમાં સરપંચ શ્રી સહિત આગેવાનો અને આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો, આશા કાર્યકરો, ગ્રામજનો, કિશોરીઓ અને માતાઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન આગણવાડી કાર્યકર શ્રી દક્ષાબેન દરજી દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આભાર વિધિ હેતલબેન દરજી દ્વારા કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ બાળકોને કેળા અને સુખડીનો નાસ્તો આપવામાં આવ્યો હતો.
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।







