બાંગ્લાદેશમાં ભડકેલી હિંસાની આગ અને શેખ હસીનાનું સંભવિત પુનરાગમન

ઉર્દૂના જાણીતા શાયર રાહત ઇન્દોરીનો એક પ્રખ્યાત શેર છે કે, 'લગેગી આગ તો આયેંગે ઘર કઈ ઝદ મેં, યહાં પે સિર્ફ હમારા મકાન થોડી હૈ.' વર્તમાન સમયમાં પાડોશી દેશ બાંગ્લાદેશની રાજકીય પરિસ્થિતિ પર આ પંક્તિઓ બિલકુલ સચોટ બેસે છે. વર્ષ ૨૦૨૪માં જ્યારે વડાપ્રધાન શેખ હસીનાને સત્તા છોડીને દેશ બહાર જવું પડ્યું હતું, ત્યારે બાંગ્લાદેશમાં લોકશાહીના નવા અધ્યાયની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
પરંતુ સમયનું ચક્ર હજુ પૂરા બે વર્ષ પણ ફર્યું નથી, ત્યાં જ ઢાકાથી લઈને ગોપાલગંજ સુધી ફરી એકવાર હિંસા, આગજની અને રાજકીય અરાજકતાના એ જ દ્રશ્યો ભજવાઈ રહ્યા છે. અગાઉ જે પ્રકારે શેખ હસીના અને તેમના પિતા બંગબંધુ મુજીબુર રહેમાનના નિવાસસ્થાનોને નિશાન બનાવાયા હતા, તે જ અંદાજમાં હવે વર્તમાન સત્તાધારી પક્ષ અને પૂર્વ વચગાળાના શાસકોની સંપત્તિઓ આગની જ્વાળાઓમાં લપેટાઈ રહી છે.
તાજેતરમાં ભડકેલા આ અસંતોષના મૂળિયાં લગભગ વીસ દિવસ પહેલાં શરૂ થયેલા કપડા ઉદ્યોગના કામદારોના આંદોલનમાં રહેલા છે. બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધારસ્તંભ તેનો ટેક્સટાઇલ નિકાસ ઉદ્યોગ છે, જ્યાં સસ્તા શ્રમ અને મહિલા કામદારોના મોટા યોગદાનને કારણે તે વૈશ્વિક બજારમાં મજબૂત સ્થાન ધરાવે છે.
પગાર વધારાની માંગ સાથે રસ્તા પર ઉતરેલા આ કામદારોના આંદોલનને જ્યારે શેખ હસીનાની પાર્ટી આવામી લીગનું સમર્થન મળ્યું, ત્યારે આર્થિક માંગણીઓએ જોતજોતામાં ઉગ્ર રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું. જે પક્ષની રાજકીય માન્યતા અગાઉની વચગાળાની સરકારે રદ કરી દીધી હતી, તે જ આવામી લીગે ૧૯ નવેમ્બરના રોજ 'બાંગ્લાદેશ બંધ' અને લોકડાઉનનું એલાન કરીને પોતાની જમીની તાકાતનો પરચો બતાવી દીધો છે.
આ બંધના એલાન દરમિયાન સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હતી. આવામી લીગના કાર્યકરો અને સત્તાધારી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી એટલે કે બીએનપીના સમર્થકો વચ્ચે ઠેર-ઠેર હિંસક અથડામણો થઈ હતી.
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મશરફી મુર્તઝાએ પણ નરેલ જિલ્લામાં પ્રદર્શનની આગેવાની લઈને શેખ હસીનાના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો. દક્ષિણ બાંગ્લાદેશમાં શેખ હસીનાનો ગઢ ગણાતા ગોપાલગંજમાં ઉગ્ર ભીડે પોલીસ થાણાઓ, સરકારી વાહનો અને બીએનપીના બે સાંસદોના ઘરોને આગ ચાંપી દીધી હતી.
ઢાકા-ચટગાંવ હાઇવેને સંપૂર્ણપણે બ્લોક કરી દેવામાં આવ્યો હતો અને ફેસબુક લાઇવના માધ્યમથી થાણા સળગાવવા તથા નેતાઓના ઘરોમાં લૂંટફાટના દ્રશ્યોએ બે વર્ષ જૂની કડવી યાદોને ફરી તાજી કરી દીધી હતી. આ હિંસાની સૌથી પ્રતીકાત્મક અને ચોંકાવનારી ઘટના પૂર્વ વચગાળાના શાસક મોહમ્મદ યુનુસના નિવાસસ્થાન અને તેમની ગ્રામીણ બેંક પર થયેલો હુમલો છે.
વર્ષ ૨૦૦૬માં જે ગ્રામીણ બેંકની સ્થાપના બદલ મોહમ્મદ યુનુસને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો, તે સંસ્થાને પણ આક્રોશિત ટોળાએ આગને હવાલે કરી દીધી હતી. જોકે, બીએનપીની સરકાર સત્તામાં આવ્યા બાદ મોહમ્મદ યુનુસ અગાઉથી જ અમેરિકા સ્થાયી થઈ ચૂક્યા હોવાથી તેઓ સુરક્ષિત છે.
તેમ છતાં, તેમની વૈશ્વિક ઓળખ સમાન સંસ્થા પરનો હુમલો એ વાતની સાબિતી આપે છે કે બાંગ્લાદેશનું રાજકારણ હાલમાં નીતિગત વિરોધને બદલે 'જેવા સાથે તેવા'ની બદલાની ભાવનાથી પ્રેરિત થઈ રહ્યું છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વડાપ્રધાન તારિક રહેમાને આક્રમક વલણ અપનાવ્યું છે.
લાલમોનીરહાટ ખાતે એક જાહેર સભાને સંબોધતા તેમણે ભારતનું સીધું નામ લીધા વિના આક્ષેપ કર્યો હતો કે વિદેશી ધરતી પર બેસીને બાંગ્લાદેશને અસ્થિર કરવાના અને આગ લગાવવાના ષડયંત્રો રચવામાં આવી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો આ નિવેદનને ભારતમાં આશરો લઈ રહેલા શેખ હસીના તરફના સીધા ઇશારા તરીકે જોઈ રહ્યા છે.
નોંધપાત્ર બાબત એ છે કે પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન પોતે પણ લગભગ ૧૭ વર્ષ સુધી બ્રિટનમાં નિર્વાસિત જીવન વિતાવીને સ્વદેશ પરત ફર્યા હતા અને આવામી લીગની ગેરહાજરીમાં ચૂંટણી જીતીને સત્તા પર આવ્યા હતા. હાલમાં તેમની સરકારે વ્યાપક ધરપકડોનો દોર શરૂ કર્યો છે અને સરહદી વિસ્તારોમાં કોઈ ઘૂસણખોરી ન થાય તે માટે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ એટલે કે બીજીબીની ટુકડીઓને તૈનાત કરી દીધી છે.
બીજી તરફ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો હાલમાં અત્યંત નાજુક વળાંક પર ઉભા છે. નવી દિલ્હીએ તારિક રહેમાનની સરકાર સાથે સંબંધો સામાન્ય કરવા માટે સકારાત્મક પ્રયાસો કર્યા હતા.
ભારત તરફથી વરિષ્ઠ નેતા દિનેશ ત્રિવેદીને ઉચ્ચાયુક્ત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, લોકસભા અધ્યક્ષે મુલાકાત લીધી હતી અને ભારતમાં યોજાયેલી બ્રિક્સ સમિટ માટે પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ તારિક રહેમાને ભારત આવવાને બદલે ચીનની મુલાકાત લેવાનું પસંદ કર્યું હતું.
આ દરમિયાન, શેખ હસીનાએ ભારતીય મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં બાંગ્લાદેશ પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમની સામે બાંગ્લાદેશમાં ૧૫૦થી વધુ કેસો અને ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલની કાર્યવાહી ચાલી રહી છે.
ભારતની કૂટનીતિક રણનીતિ આ મામલે અત્યંત સ્પષ્ટ અને મક્કમ જણાઈ રહી છે. ભારતીય પક્ષનું માનવું છે કે શેખ હસીના એક ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે બાંગ્લાદેશની સેનાના હેલિકોપ્ટરમાં ભારત આવ્યા હતા, તેથી તેમને કોઈ ગુનેગારની જેમ સોંપી શકાય નહીં.
જો બાંગ્લાદેશ સરકાર તેમને પરત ઈચ્છે છે, તો સન્માનજનક પ્રોટોકોલ સાથે તેમને લઈ જવામાં આવે અને ન્યાયાલયમાં તેમને પોતાનો પક્ષ રાખવા માટે નિષ્પક્ષ સુનાવણી એટલે કે ફેર ટ્રાયલની ખાતરી આપવામાં આવે. જોકે, ઢાકાએ આ બાબતે કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ભારત તેમને કોઈ શરતો લાદી શકે નહીં.
તેમ છતાં, ભૌગોલિક વાસ્તવિકતાને અવગણી શકાય તેમ નથી, કારણ કે બાંગ્લાદેશ ચારેય તરફથી ભારત સાથે ૪,૦૦૦ કિલોમીટરથી વધુ લાંબી સરહદ ધરાવે છે અને બંને દેશોના આર્થિક તથા વ્યૂહાત્મક હિતો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે કોઈપણ દેશમાં લોકતાંત્રિક સંવાદને બદલે બદલાની રાજનીતિ અને વિરોધી પક્ષોને સંપૂર્ણપણે સમાપ્ત કરવાની માનસિકતા હાવી થાય છે, ત્યારે અસ્થિરતાનો દોર ક્યારેય અટકતો નથી.
શેખ હસીનાનું સંભવિત પુનરાગમન હોય કે તારિક રહેમાનનું શાસન, બાંગ્લાદેશના સામાન્ય નાગરિકો અને તેના અર્થતંત્રને સૌથી વધુ નુકસાન આંતરિક હિંસાથી જ થઈ રહ્યું છે. દક્ષિણ એશિયાની શાંતિ અને સમૃદ્ધિ માટે એ અનિવાર્ય છે કે ઢાકામાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને વેરઝેરની આગને ઠારીને બંધારણીય મર્યાદાઓ અને સર્વસમાવેશક લોકશાહીનો માર્ગ અપનાવે.
પાડોશી દેશો સાથેના સંતુલિત સંબંધો અને આંતરિક સ્થિરતા જ બાંગ્લાદેશને આ વિષચક્રમાંથી બહાર કાઢીને પ્રગતિના પંથે લઈ જઈ શકશે. આલેખન : નિખિલ દરજી, ઉમરગામ (જિલ્લો : વલસાડ)
મોબાઈલ નંબર : 9898664944
રિપોર્ટર સુદીપ ગઢીયા
🔔 Vande Bharat News Alerts
नई प्रमुख खबरों की browser notification पाने के लिए Subscribe करें।







