વર્ષની સકારાત્મક શરૂઆત કરવાના ઉમદા હેતુથી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુરના શાસ્ત્રી બાગ ખાતે ‘નવા વર્ષના પ્રથમ સૂર્ય કિરણને નમસ્કાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં છોટાઉદેપુરના નગરના નાગરિકોએ યોગ અને સૂર્ય નમસ્કાર સાથે ‘સ્વસ્થ ગુજરાત – સ્વસ્થ ભારત’ના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સવારે ૭:૦૦ થી ૮:૦૦ કલાક દરમિયાન આયોજિત કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજી યુ ટ્યુબ લાઇવના માધ્યમથી જોડાયા હતા. તેમની નિશ્રામાં છોટાઉદેપુરના જાગૃત નાગરિકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કરી શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિનો સંદેશ આપ્યો હતો. નવા વર્ષના પ્રથમ સૂર્યકિરણોની સાક્ષીએ કરવામાં આવેલા આ સૂર્ય નમસ્કારનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને દૈનિક જીવનમાં યોગને વણી લેવાનો હતો. આ કાર્યક્રમમાં યોગ કોર્ડિનેટર મનિષાબેન પારેખ, યોગ ટ્રેનર મહંત નરેશભાઈ, નવનીતભાઈ પારેખ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.