ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે ભારતના ગુજરાત સહિત ૦૯ રાજ્યો અને ૩ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અંદાજીત ૫૧ કરોડ મતદારોને આવરી લેવામાં આવ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં થનાર ખાસ કેમ્પ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) તા.૦૪ નવે.થી ૦૪ ડિસે. દરમિયાન (BLO) ફરીને એન્યુમરેશન ફોર્મ (Efs-ગણતરી ફોર્મ) ભરાવશે. અને ભરેલ ફોર્મ પરત મેળવશે. ૯ ડિસેમ્બર-૨૦૨૫ ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન કરાશે. તા.૯ ડીસેમ્બરથી ૮ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન મતદારો સુધારા માટેનો દાવો, વાંધા અરજી કરી શકશે. તા.૦૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. એમ જણાવ્યું હતું. વધુમાં તેમને જણાવ્યું કે, છોટાઉદેપુર જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે તા.૧૫,૧૬,૨૨ અને ૨૩ નવેમ્બર-૨૦૨૫ના રોજ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૦૯:૦૦ થી બપોરના ૦૧:૦૦ કલાક સુધી BLO તેમના મતદાન મથક પર હાજર રહેશે. મતદારો BLOની મદદથી વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં પોતાનું નામ શોધી શકશે. જે મતદારોનું નામ અથવા તેમના માતા-પિતા/ દાદા-દાદીનું નામ વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે BLO પાસેથી માર્ગદર્શન મેળવી શકશે. મતદારો પોતાને મળેલા EF (Enumeration Form) પોતાના ભાગના BLOને જમા કરાવી શકશે. મતદાર પોતાનું Enumeration Form Voters.eci.gov.in ની વેબસાઈટના માધ્યમથી Online ભરી શકશે તેમજ પોતાના મતદાન મથકના BLO સંપર્ક કરવા માટે “Book a Call With BLO” વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. મતદાર જન્મ/મરણના પ્રમાણપત્ર માટે શહેરી વિસ્તારમાં ચીફ ઓફિસરશ્રી, નગરપાલિકાનો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સંબંધિત તલાટી કમ મંત્રીશ્રીનો સંપર્ક કરવા વિનંતી છે. મતદારો પોતાનું નામ મતદારયાદીમાં દાખલ કરાવવા માટે ફોર્મ નં.૬, સ્થળાંતરના કિસ્સામાં ફોર્મ નં.૮ જરૂરી પુરાવા તેમજ Declaration Form સાથે ભરી આપના બી.એલ.ઓ.ને જમા કરાવવાનું રહેશે તેમજ મતદારયાદીમાંથી નામ કમી કરાવવા અર્થે જરૂરી પુરાવા સાથે ફોર્મ નં.૭ ભરવાનું રહેશે. તમામ મતદારોને અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું કે, ખાસ સઘન સુધારણા (SIR)માં ૧૦૦ ટકા ફોર્મ ભરીએ જેથી કરીને “કોઈપણ લાયક મતદાર રહી ન જાય” અને “કોઈપણ ગેરલાયક મતદારનો સમાવેશ ન થાય” એને ધ્યાને રાખી ખાસ સઘન સુધારણા (SIR) સફળ બનાવીએ એમ જણાવ્યું હતું