

ડાંગ
ઉત્તરાખંડ દેહરાદૂન ખાતે તાજેતરમાં યોજાયેલ અખિલ ભારતીય ફોરેસ્ટ રમત ગમત સ્પર્ધા- ૨૦૨૫માં ગુજરાતના
વન વિભાગના અધિકારીઓએ ઝળહળતી સફળતા મેળવી રાજ્યનું નામ રોશન કર્યું છે.આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ડાંગ જિલ્લાના વન વિભાગના બે તેજસ્વી અધિકારીઓએ લૉન ટેનિસમાં પોતાની કુશળતા બતાવી સિલ્વર મેડલ મેળવ્યો છે.મિક્સ ડબલ્સમાં શાનદાર પ્રદર્શન કરવામાં આવેલ છે. ૧૨ થી ૧૬ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન આયોજિત આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દેશભરના વિવિધ રાજ્યોના વન વિભાગના
રમતવીરોએ ભાગ લીધો હતો. જેમાં ડાંગ દક્ષિણ વન વિભાગના આહવા પૂર્વ રેન્જનાં આર.એફ.ઓ. હાર્દિક ચૌધરી અને ફોરેસ્ટર ઉર્મી જાનીની જોડીએ લૉન ટેનિસ મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. ફાઈનલ સુધીની રસાકસી ભરી મેચો બાદ આ જોડીએ સિલ્વર મેડલ (રજત ચંદ્રક) પ્રાપ્ત કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.









