
પાટણ જિલ્લામાં તા. 26મી એપ્રિલ, 2026ના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ બે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ લોકશાહી મહાપર્વને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તથા કલેકટરશ્રી તુષાર ભટ્ટે જિલ્લાના તમામ મતદારોને બહોળી સંખ્યામાં મતદાન કરવા માટે હાર્દિક અપીલ કરી છે.
કલેકટરશ્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, “આપ સૌને સુવિદિત છે કે તા. 26મીના રોજ પાટણ જિલ્લામાં મહત્વપૂર્ણ ચૂંટણીઓ યોજાઈ રહી છે. લોકશાહીના આ પવિત્ર તહેવારમાં દરેક મતદાર પોતાનો મતાધિકાર નિર્ભય અને નિષ્પક્ષ રીતે ઉપયોગ કરે તે અત્યંત જરૂરી છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, મતદાન માત્ર હક જ નહીં પરંતુ આપણી ફરજ પણ છે. દરેક નાગરિકે પોતાના કિંમતી મતનો ઉપયોગ કરીને લોકશાહી પ્રણાલીને વધુ સશક્ત બનાવવામાં યોગદાન આપવું જોઈએ.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા સુચારૂ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતદારોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ નિર્ધારિત સમય દરમિયાન મતદાન મથક પર પહોંચી પોતાની ફરજ નિભાવે.
અંતમાં કલેકટરશ્રીએ જિલ્લામાંના તમામ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરી લોકશાહી મજબૂત બનાવવા સહભાગી થવા માટે આગ્રહપૂર્વક અપીલ કરી છે.



