એક તરફ નગરપાલિકા સ્વચ્છતા અભિયાન અંતર્ગત માત્ર ફોટા પડાવી નામપુરતી સ્વચ્છતા કરે છે.પરંતુ આજે શહેરના એવા કેટલાય વિસ્તારો છે .જયાં ગંદકીના સામ્રાજયની સાથે સાથે નર્કાગાર પરિસ્થિતિ જોવા મળી રહી છે.
પાટણ નગરપાલિકા તંત્ર શહેરમાં સર્જાયેલી ગંદકી અને નર્કાગાર પરિસ્થિતિને સુધારવા માટે સરેઆમ નિષ્ફળ નિવડી રહી છે. ચોમાસા પહેલા અને વરસાદી સીઝનમાં વરસાદે વિરામ લીધા બાદ જયાં જુઓ ત્યાં ગંદકી અને કાદવ કીચડનું સામ્રાજય જોવા મળી રહયું છે. ખાસ કરીને શહેરના હાર્દસમા ચતુર્ભુજ બાગ અને અમરતકાકા કોમ્પલેક્ષની પાછળના ભાગે દુર્ગંધ મારતા કાદવ કીચડની નર્કાગાર પરિસ્થિતિને લઈ આસપાસના વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અતિશય દુર્ગંધને કારણે અહીંના વેપારીઓ નાક દાબીને મહામુસીબતે ધંધો કરી રહયા છે .તેમ છતાં પાલિકાની સ્વચ્છતાશાખા આ ગંદકીને સાફ કરવામાટે કોઈ જ પગલા ભરતું નથી. જેને લઈ આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તેવી ભીતી સેવાઈ રહી છે.
આ ઉપરાંત શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં મુખ્ય પોસ્ટ ઓફીસ અને શેઠ વી.કે.ભૂલા હાઈસ્કૂલની પાછળ ઠલવાતા ગંદકીના ઢગ વરસાદી પાણીમાં પલડી જતા અહીંયા દુર્ગંધ મારતો કાદવ કીચડ લોકો માટે નર્કસમાન બની ગયો છે. આ નર્કની સામે હોસ્પિટલો પણ આવેલી છે .જયાં દર્દીઓની સારવાર થતી હોવા છતાં આ વિસ્તારમાં પાલિકાતંત્ર સ્વચ્છતા માટે કોઈ પગલા ભરતી નથી તો શૈક્ષણિક સંકુલમાં પણ કાદવ કીચડની દુર્ગંધને લઈ વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
શહેરના અનાવાડા દરવાજાથી ધરતી પેટ્રોલ પંપ રોડ ઉપર છેલ્લા કેટલાક સમયથી રોડ ઉપર ગંદકીના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. તેમજ વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સ્વચ્છ પાટણની વાતો કરતું નગરપાલિકાતંત્ર શહેરની નર્કાગાર પરિસ્થિતિને સુધારવા માટે કામગીરી હાથ ધરે તેવી લોક માગ પ્રબળ બની છે.