
ડાંગ જિલ્લાનાં આહવા નગરમાં સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે આહવા નગરની ગંદકી સામે ડાંગ જિલ્લાનાં બસપાનાં આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેમજ ધરણા પ્રદર્શન કરી, કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. આહવામાં ગંદકીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આ ગંદકી સામે તંત્ર દ્વારા ગંભીરતા દાખવવામાં આવે તેવી લોક માંગ પણ વધવા પામી છે. આહવા નગરની ગંદકીને લઈને ડાંગ જિલ્લાનાં બસપા નાં આગેવાન સંગીતા આહિરે, રતિલાલ ઠાકરે, મહેશ આહિરે, ઈશ્વર ભોંયે, તુલસી રામભાઈ પાડવી, રૂબીના ખાન સહિતનાએ ધરણા પ્રદર્શન કર્યું હતુ. તેમજ ગંદકી દર્શાવતા બેનર છપાવીને વિરોધ નોંધાવ્યો હતો. અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. વધુમાં વડાપ્રધાનને પણ ગંદકી દર્શાવતું બેનર રવાના કરવામાં આવ્યું હતુ.