ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા ખાતે ” અનામત વિરોધી કોંગ્રેસ”નાં બેનરો સાથે જિલ્લા ભાજપ પાર્ટીએ ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધાવ્યો
ડાંગ. 27-09-2024 કોંગ્રેસ પક્ષનાં નેતા રાહુલ ગાંધી દ્વારા અનામત અંગેનું નિવેદન આપવામાં આવ્યુ હતુ.ત્યારે આ નિવેદનનાં વિરોધમાં ડાંગ જિલ્લામાં ભાજપનાં આગેવાનો દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમજ “કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો”, ” અનામત વિરોધી કોંગ્રેસ” વગેરેનાં બેનર લગાવી ભાજપ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.કૉંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં જઈ અનામત અંગે નિવેદન આપવામાં આવેલ હોવાના આક્ષેપ સાથે ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે ભાજપ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.વધુમાં ભાજપ પક્ષના નેતાઓ દ્વારા અવારનવાર એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે,રાજકીય લોભની ચરમસીમાએ પહોંચેલી કોંગ્રેસ પાર્ટી હવે રાહુલ ગાંધીનાં અવગુણો સ્વીકારવા માંડી છે.અને વિડંબના એ છે કે કોંગ્રેસ પાર્ટી પોતે આવા અવગુણી માટે પોતે ગર્વ અનુભવી રહી છે એવુ લાગે છે. છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસ અને તેની મંડળીના નેતાઓએ દેશના યશરવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને 110 થી વધુ વખત અપશબ્દો બોલ્યા છે.અને લોકશાહીને બદનામ કરી છે તે માત્રને માત્ર કોંગ્રેસ પાર્ટી છે. આ એ જ કોંગ્રેસ છે કે જેણે દેશમાં કટોકટી લાદી ટ્રિપલ તલાકનું સમર્થન કર્યુ.તમામ બંધારણીય સંસ્થાઓને બદનામ કરી અને સંસ્થાઓને નબળી પાડી છે.કોંગ્રેસ શાસિત રાજ્યોમાં દલિતો પછાત-વંચિતો અને આદિવાસીઓના અધિકારોનુ હનન થઈ રહ્યુ છે.સત્તાની લાલચમાં ડુબેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ચલાવવામાં આવતી કોંગ્રેસ પાર્ટીની કહેવાતી “મહોબ્બત કી દુકાન”માં જે ઉત્પાદન વેચાય છે તે જાતિવાદનું ઝેર છે. દુશ્મનાવટનું બીજ છે. જે રાષ્ટ્ર વિરોધીઓનો ખોરાક છે. દેશને બદનામ કરવાનુ-તોડવાનુ એક રાસાયણિક ઓજાર છે.તેમજ હાલમાં થોડા દિવસ અગાઉ ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ જેમાં રાહુલ ગાંધી ને અપશબ્દ બોલનાર ભાજપના કેટલાક નેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જોકે અહીં આ આવેદનપત્ર આપ્યા બાદ આ મામલો વધુ બીચકતો હોય તેવું જોવા મળી રહ્યું છે.ત્યારે આહવા ખાતે ડાંગ ભાજપ દ્વારા “આ દેશ માં નહિ ચાલે અનામત વિરોધી કોંગ્રેસ” સહિત અલગ અલગ સૂત્રો લખી પ્લે કાર્ડ બતાવી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.જેમાં ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજયભાઈ પટેલ,જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન,ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીત,મહામંત્રીઓમાં હરિરામભાઈ સાંવત,દિનેશભાઇ ભોયે, રાજેશભાઈ ગામીત,આદિજાતિ મોરચાનાં મંત્રી સુભાસભાઈ ગાઈન,આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ સુરેશભાઈ ચૌધરી સહિત ભાજપાનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..