
ગુજરાતની આ વર્ષની સૌથી ગોઝારી પ્લેન દુર્ઘટનામાં ગઈકાલે (12 જૂન 2025) વિમાનમાં સવાર 242 લોકોના મૃત્યુ થયા હતા. અમદાવાદથી લંડન માટે બપોરે 1.38 મિનિટે ઉડાન ભરેલી એર ઇન્ડિયાની બોઇંગ 787ની ફ્લાઇટ નંબર 171 બે મિનિટ બાદ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. એરઈન્ડિયા પ્લેન ક્રેશના આ બનાવથી સમગ્ર દેશમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. ત્યારે હૈયું હચમચાવતી આ ઘટનામાં કચ્છ જિલ્લાના 5 બિનનિવાસી ભારતીય (NRI) લોકોનો પણ સમાવેશ થાય છે. તેમાં ભુજ તાલુકાના કોડકી ગામના અને વર્ષોથી યુકે રહેતા માતા, પુત્ર અને પ્રથમ વખત ઇન્ડિયા આવેલા પૌત્રનું પણ કરુણ મૃત્યુ થયુ છે. આ બનાવથી નાના એવા કોડકી ગામે દુઃખની લાગણી ફેલાઈ છે.
આ અંગે જ્યારે કોડકી ગામની દિવ્યભાસ્કરે મુલાકાત લીધી ત્યારે પ્લેન અકસ્માતમાં જીવ ગુમાવનાર 56 વર્ષીય સુરેશ ધનજી પટેલ, તેમના માતા રાધાબાઈ (ઉવ 80) અને 25 વર્ષીય અશ્વિન સુરેશ પટેલના અપમૃત્યુની ખબરથી પડોશીઓ તેમજ પરિચિત લોકો દુઃખમાં જોવા મળ્યા હતા. એક જ પરિવારના ત્રણ-ત્રણ લોકોનો દુર્ઘટનામાં ભોગ લેવાતાં તેમના મકાન આસપાસ નીરવ શાંતિ છવાયેલી દેખાઈ. હતભાગીનું બે માળનું મકાન વેરાન ભાસતું હતું. મકાન અંદર લાગેલી પરિજનોની તસવીરો અને આસપાસનું ફર્નિચર તેમની સાદગી અને સરળ જીવનની સાક્ષી પૂરતા હતા.
પરિવારને મદદરૂપ વડીલ દુઃખી
સુરેશભાઈને સ્થાનિકે વહીવટી કાર્યમાં મદદરૂપ બનતા કાંતિભાઈ પટેલ નામના વડીલ સાથે મુલાકાત કરતા તેમણે દુઃખ સાથે જણાવ્યું કે યુકેથી કોકડી પોતાના ઘરે બે માસ સુધી સુરેશ, તેમનો દીકરો અને રાધામાં રોકાયા હતા. ભાગ્યેજ કોઈ એવો દિવસ વીત્યો હશે કે અમારે વાત થઈ ના હોય. ગઈકાલની વહેલી સવારે રાધામાં બહાર ઓટલા ઉપર બેઠા હતા અને સવારે 10 વાગ્યે ઘરેથી અમદાવાદ જવા નીકળ્યા હતા. ઘરેથી જતા સમયે તમેય આવજો હવે લંડન કહેતા ગયા હતા. પણ હરિ કરે એ ખરી.
સાંજે ઘર બહાર બેઠા છીએ તેમ તેઓ બેઠા હતા- પ્રેમજી કેરાઈ જ્યારે સુરેશભાઈની સામે રહેતા પ્રેમજી કેરાઈએ કહ્યું કે જેમ આજે સાંજે ઘર બહાર બેઠા છીએ તેમ એક દિવસ પહેલા સુરેશભાઈ અને તેમના પરિજનો પણ સામે ઓટલા ઉપર બેઠાં હતાં. તે સમયે સુરેશભાઈએ આવતીકાલે લંડન જવા માટે અમદાવાદ નીકળશું, એવી વાત કરી ફરી થોડા મહિના બાદ મળશું એવું કહ્યું હતું. જોકે, બપોરે તેમના નિધનના સમાચાર આવ્યા. આ સાંભળી ખૂબ દુઃખ થયું.
દર વર્ષે ડિસેમ્બરમાં આવતા આ વખતે એપ્રિલમાં આવ્યા-મંજુલાબેન
તો મંજુલાબેન કેરાઈએ રડમસસ્વરે કહ્યું કે, આમ તો તેઓ દર વર્ષના ડિસેમ્બર માસ દરમિયાન બે ત્રણ મહિના દેશમાં રોકાવા આવતા હોય છે. પરંતુ આ વખતે એપ્રિલ માસમાં ગામના સ્વામિનારાયણ મંદિરના 25 વર્ષના પાટોત્સવ પ્રસંગે ખાસ જગન યોજાયો હતો, તેની ઉજવણીમાં સામેલ થવા આવ્યા હતા.
એટલું જ નહીં, સુરેશભાઈનો દીકરો અશ્વિન પ્રથમ વખત ઇન્ડિયા આવ્યો હતો અને હવે ફરી ક્યારેય નહીં આવે. ખૂબ જ સરળ સ્વભાવના લોકો હતા. એટલું બોલતાં જ તેમના ગળે ડૂમો ભરાઈ આવ્યો અને તેઓ વધુ કંઈ બોલી શક્યા નહી. ત્યારે અચાનક ગામના ત્રણ વ્યક્તિઓ એક સાથે કરુણ ઘટનામાં મરણ પામ્યાનો શોક સમગ્ર ગામમાં સ્પષ્ટ દેખાતો હતો.