
સુરતઃ શહેરના પોશ વિસ્તાર ગણાતા વેસુ-સેકન્ડ વીઆઈપી રોડ પર સ્થિત ભગવાન મહાવીર કોલેજ કેમ્પસની આસપાસના ૪૦૦થી ૫૦૦ મીટર વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત બે-અઢી ફૂટ પાણીનો ભરાવો થઈ રહ્યો છે. ગતરોજ રાત્રે વરસાદે બેક મારતા આ વિસ્તારમાં બેક મારેલ તેજના પાણીનો નિકાલ થઈ ગયો હતો. પરંતુ આજે સવારથી ફરી વરસાદે ધીમી ગતિએ પણ ઇનિગ્સ શરૂ કરતાં ફરી આ વિસ્તારમાં પાણીનો ભરાવો થઈ જતા સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. સતત ત્રણ દિવસથી આ પોશ ગણાતા વિસ્તારોની આસપાસના એપાર્ટમેન્ટો અને ભગવાન મહાવીર કોલેજ કેમ્પસમાં કાર્યરત વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે. પરંતુ આ સમસ્યાનો હલ કરવામાં મનપા તંત્ર નિષ્ફળ રહ્યું છે.મનપાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભગવાન મહાવીર કોલેજ કેમ્પસની આસપાસના ૪૦૦થી ૫૦૦ મીટર પોકેટમાં જ ભૌગોલિક કારણોસર વરસાદ પડવાની સાથે ખાડીમાં પાણીનું લેવલ વધતા ઘરઘથ્થુ કેનેજનું પાણી સ્ટ્રોમ વોટર લાઇનમાં જઇ શકતું નથી અને હાલ ખાડીમાં પાણીનું સ્તર વધુ હોવાથી આ પોકેટમાં ડ્રેનેજનું પાણી સ્ટ્રોમ વોટર લાઇન દ્વારા ખાડીમાં જઈ શકતું નથી અને પાણીના ભરાવવાની સમસ્યા સતત ઊભી થઈ રહી છે. ખાડીમાં પાણીનું સ્તર નીચે થતા જ આ પાણીનો નિકાલ થઈ જશે.દરમિયાન આજે ભગવાન મહાવીર કોલેજ કેમ્પસ રોડ પર પાણીના ભરાવવાના કારણે એક કાર અને ત્રણ- ચાર બાઇકો પણ ફસાયા હતા. એટલું જ નહીં ભારે પવનને કારણે સેકન્ડ વીઆઈપી રોડ સ્થિત એક નિર્માણાધીન પ્રોજેક્ટ માટે બાંધવામાં આવેલ સંપૂર્ણ પાલખ સદંતર પત્તાની માફક ધસી પડી હતી. સદ્ભાગ્યે કોઈ જાનહાની આ ઘટનામાં થઈ ન હતી.