गुजरात
Trending

પ્રાકૃતિક કૃષિ અપનાવવા ધરતીપુત્રોને પોતાના જીવન અને સ્વાસ્થ્ય માટે આહવાન કરતા ગુગલીયાના દીલેશભાઈ રાઠવા

રસાયણિક ખેતી કરતા તે સમયે ટ્રેક્ટરથી પણ ખેડ ન થતી અત્યારે જમીનમાં હળ પણ હાકી શકાય છે

ખેતીમાં થતા ખર્ચમાં ઘટાડો કરીને બમણી આવક ઉભી થઈ શકે તે માટે ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. આવા જ એક ખેડૂત છે કવાંટ તાલુકાના ગુગલીયા ગામના દીલેશભાઈ રાઠવા. દીલેશભાઈ સાથેની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું કે, મારો છોકરો ધોરણ ૧૦માં પાસ થતા તેને મોબાઇલ અપાવ્યો હતો. એના મોબાઇલમાં યુ-ટ્યુબના માધ્યમથી ખેતીલક્ષી વિડીઓ જોતો હતો. તેમાં ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કઈ રીતે થાય તે માટેની માહિતી આપવામાં આવી હતી.એક પછી એક વિડિયો જોતા મને વિડિયો જોવામાં રસ પડવા લાગ્યો.૨૦૧૯માં વિડિયો જોતા જોતા પ્રાકૃતિક કૃષિ કરવાનું નકકી કર્યું હતું. ૨૦૧૯થી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી.જેમ જેમ નોલેજ વધતું ગયુ તેમ પ્રાકૃતિક કૃષિના આયામો બનાવવાનું શરૂ કર્યું. ગાય આધારિત ખેતીની શરૂઆત કર્યા બાદ આત્મા પ્રોજેક્ટનો સંપર્ક થયો.આત્મા પ્રોજેકટમાં પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું જેથી મારા નોલેજમાં વધારો થયો.. આત્મા પ્રોજેકટરમાં જોડાય બાદ પ્રાકૃતિક ખેતીમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા મોડેલ ફાર્મ માટે ૧૩૫૦૦ અને ગાયના નીભાવ ખર્ચ માટે વર્ષે ૧૦૮૦૦ રૂપિયાની સહાય મળે છે. આત્મા પ્રોજેકટના માર્ગદર્શન હેઠળ મારા ખેતરમાં સોયાબીન, ડાંગર, તુવેર મકાઈ અને કઠોળ પાક પકવું છું. હાલમાં મારા ખેતરમાં ૧ એકરમાં મકાઈ અને એક એકરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક કૃષિના આયામોની વાત કરતા દીલેશભાઈ જણાવે છે કે, શરૂઆતમાં જમીનમાં ઘનજીવામૃત આપવાનું છે ત્યારે બાદ પાકમાં જીવાત હોય તો નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને વધુ જીવાટ માટે અગ્નિઅસ્ત્રનો છંટકાવ કરૂ છુ. જમીનને ફળદ્રુપ બનાવવા પિયત સ્વરૂપમાં જીવામૃત બનાવી જમીનમાં આપી જમીન ફળદ્રુપ બનાવુ છું. જે તે સમયે રસાયણિક ખેતી કરતા તે સમયે ટ્રેક્ટરથી ખેડ પણ થતી ન હતી. અત્યારે મારી જમીનમાં હળ હાકવું હોય તો પણ હાકી શકાય છે એટલો સુધારો પ્રાકૃતિક કૃષિ થકી જમીનમાં આવ્યો છે. પ્રાકૃતિક કૃષિમાં આવકની વાત કરતા દિલેશભાઈ જણાવ્યુ કે, ગત વર્ષે મને ૧ લાખ ઉપર આવક થઈ હતી. જેમાં ખર્ચ નહીવત થયો હતો. જયારે રસાયણિકમાં ૧ લાખની આવકની સામે ૩૫ થી ૪૦ હજારનો ખર્ચ થઈ જતો હોય છે. ત્યારે પ્રાકૃતિક કૃષિમાં ૫થી ૬ હજાર ખર્ચમાં પુરુ થઈ જાય છે. ગત વર્ષે પાકમાં કપાસ,સોયાબીન અને શિયાળુ મકાઈ કરી હતી. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે સંદેશ આપતા દીલેશભાઈએ જણાવ્યું કે, તમામ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ તરફ વળવું જોઈએ. આપણી જમીન બચશે તો આપણું જીવન અને ભવિષ્ય બચશે. આજે દિન પ્રતિદિન અનેક ગંભીર બીમારીઓ થાય છે ત્યારે તેનાથી બચવા આપણે પ્રાકૃતિક કૃષિ અપનાવી જોઇએ. પોતાના જીવન અને સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ધરતીપુત્રોને આહ્વાન કર્યું હતું..

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!