
સુરતઃ નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પાસે રિક્ષામાં સાત માસની ગર્ભવતી મહિલાની પ્રસૂતિ કરવામાં આવી હતી. અધૂરા માસે જન્મેલા બાળકના ધબકારા બંધ થઈ જતાં તબીબોએ સીપીઆર આપી નવજીવન આપ્યું હતું.નવી સિવિલ હોસ્પિટલ દ્વારા મળતી માહિતી અનુસાર, રાંદેર રામનગર સ્થિત ગોગા ચોક પાસે રહેતા દિલીપ મકવાણા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દિલીપના દોઢ વર્ષ પહેલાં જ મિત્તલ સાથે લગ્ન થયા હતા. મિત્તલને સાત માસનો ગર્ભ હતો. શનિવારે મોડી રાતે મિત્તલને પ્રસૂતિની પીડા થતાં પતિ રિક્ષામાં તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો હતો. જ્યાં ટ્રોમા સેન્ટર પાસે તેણીને વધુ પીડા થતાં ટ્રોમા સેન્ટરના સીએમઓ ડો.શીતલ અને ગાયનેક વિભાગના તબીબ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. રિક્ષામાં જ મિત્તલની પ્રસૂતિ કરવામાં આવી હતી. પરંતુ અધૂરા માસે જન્મેલા બાળકનું હૃદય ધબકતું નહતું. જેથી તબીબોએ સિપિઆર આપી બાળકને હૃદયફરી ધબકતું કર્યું હતું. ત્યારબાદ માતાને ગાયનેક વોર્ડમાં અને નવજાત બાળકને એનઆઈસીયુ વોર્ડમાં સારવાર અર્થે ખસેડયા હતા. બાળકનું વજન સવા કિલો છે. હાલ માતા બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.