છોટાઉદેપુર જિલ્લામાં પ્રવર્તમાન ઋતુમાં હીટવેવ અને આગામી ચોમાસું ૨૦૨૬ દરમ્યાન પુર,વાવાઝોડું, અતિવૃષ્ટિ જેવી સંભવિત કુદરતી આપત્તીઓ સામે પૂર્વ તૈયારી અને આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સંકલન ખંડ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરશ્રી (ડીઝાસ્ટર) ધ્રુપેન્દ્રભાઈએ પીપીટી (PPT) ના માધ્યમથી જિલ્લાની સર્વાંગી સજ્જતા અંગે વિગતવાર માહિતી આપી હતી. હીટવેવ એક્શન પ્લાનમાં વધતા તાપમાનને ધ્યાને રાખી નાગરિકોને લૂ અને ગરમીથી બચાવવા માટે આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે ચોમાસા પૂર્વેની તૈયારીઓમાં સંભવિત પૂર કે અતિવૃષ્ટિના સમયે નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોનું સ્થળાંતર, આશ્રયસ્થાનોની સુવિધા, અને ખોરાક-દવાના પૂરતા જથ્થાની ઉપલબ્ધતા કરવા, આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા બચાવ સાધનો, ઈમરજન્સી વાહનો, ફાયર સેફ્ટીના સાધનો અને ૨૪*૭ કાર્યરત કંટ્રોલ રૂમની સજ્જતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરએ આ બેઠકમાં ગત વર્ષની પરિસ્થિતિની સમીક્ષા કરી તમામ વિભાગોને પરસ્પર સંકલનમાં રહી કામ કરવા અને ગ્રામ્ય સ્તરના આપત્તિ વ્યવસ્થાપન પ્લાન તૈયાર કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર, નિવાસી અધિક કલેક્ટર શૈલેશ ગોકલાણી, નાયબ વન સંરક્ષકશ્રી રૂપક સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી.ભગત, પ્રાંત અધિકારી સહિતના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.