
સાપુતારા-નાસિક ધોરીમાર્ગમાં ચક્કાજામમાં છેલ્લા પાંચ દિવસથી ફસાયેલા વાહનચાલકોને રાહત મળી અને તેઓ ગંતવ્ય સુધી જવા માટે ૨વાના થયા..સાપુતારા ૨૫-૦૮-૨૦૨૪ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો સાપુતારા નાસિક માર્ગ પર અનિષ્ટિત ચક્કાજામ તથા રસ્તા રોકો આંદોલન રવિવારેની સાંજે સમેટાઈ જતા ગુજરાત મહારાષ્ટ્રનાં મુસાફરો સહીત પ્રવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. તેમજ આંદોલનકારીઓએ સ્વેચ્છાએ ચક્કાજામ ખોલી દેતા વાહન ચાલકો ગંતવ્ય તરફ જવા રવાના થયા હતા.જો કે હાલમાં તો વાહનચાલકો માટે રાહતનાં સમાચાર મળી રહ્યા છે. પરંતુ બે દિવસ બાદ ફરી આંદોલન થશે એવુ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યુ છે. મહારાષ્ટ્ર રાજ્યનાં સુરગાણા તાલુકાનાં કોમ્યુનિસ્ટ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જે. પી. ગાવિતની આર્ગેવાની હેઠળ સાપુતારાથી નાસિકને જોડતા બોરગાંવ નજીક ઉબરપાડા દિગર આરટીઓ ચેકપોસ્ટ ખાતે પેસા એક્ટ અને નોકરભરતી મામલે ચક્કાજામ તથા રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યુ હતુ.પેસા એક્ટ હેઠળ ટ્રાયબલ વિસ્તારમાં ટ્રાયબલ અધિકારીઓની જ નિમણુક કરવામાં આવે અને જ્યાં સુધી માંગણી ન સંતોષાય ત્યાં સુધી ચક્કાજામ ચાલુ રહેશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જો કે પાંચમા દિવસે સાંજે આંદોલનકારીઓ એ આ ચક્કાજામ અને આંદોલનને હાલ પૂરતુ સમેટી લીધુ છે. સાપુતારા નાસિક માર્ગ પર આંદોલન સમેટાઇ ગયાની જાણ સુરગાણા પોલીસ મથકનાં પીઆઈ રાહુલભાઈ મોરેએ સાપુતારા પીઆઇ નિખિલભાઈ ભોયાને કરવામાં આવતા ગુજરાતમાં અટવાયેલા વાહનોને મહારાષ્ટ્ર તરફ રવાના કરવામાં આવ્યા હતા. હાલમાં આંદોલનકારીઓએ આ ચક્કાજામ ખોલી દેવામાં આવ્યુ છે. આંદોલનકારીઓ એ હાલમાં આ આંદોલન કયા કારણોસર સમેટી લીધું છે તે જાણી શકાયું નથી. પરંતુ ચક્કાજામ ખુલ્લુ થતા પાંચ દિવસથી ફસાયેલા મુસાફરો પણ પોતાના વાહનો લઇને ગંતવ્ય તરફ જવા રવાના થયા હતા. પરંતુ બે દિવસ બાદ આંદોલનકારીઓ દ્વારા ફરી આંદોલન કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.