
સુરતઃ તા.૦૩ વરાછા અને કતારગામમાં દિન દહાડે બે દુકાનદારોની ચેઈન સ્નેચિંગ થયાની બે ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવા પામી છે. કોસ્મેટિક એજન્સીનાં દુકાનદાર ની ૮૦ હજાર અને પાન નો ગલ્લો ચલાવતાં દુકાનદારની એક લાખ ની ચેઈન ઝુંટવી બાઈક સવાર બે અજાણ્યાં રફુચક્કર થઈ ગયા હતાં. વરાછા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ ત્રિકમનગર-૨ ખાતે રામકૃષ્ણ મંદિર સામે બહુચર એપાર્ટમેન્ટ માં રહેતાં મનીષ રતિલાલ દોશી પોતાના જ એપાર્ટમેન્ટમાં કોસ્મેટિકની એજન્સી ચલાવે છે. ગત બપોરે ૧:૦૦ વાગ્યાનાં અરસામાં તેઓ વેપારીનો ઓર્ડર લઈ પોદાર આર્કેડ પાસેથી પસાર થતાં હતાં. તે વેળા પાછળથી બાઈક પર આવેલા બે અજાણ્યાં તેમનાં ગળામાં પહેરેલી રૂ. ૮૦ હજારનાં કિંમતની ચેઈન ઝુંટવી પુરપાટ ઝડપે ભાગી ગયા હતાં. બનાવ મામલે મનીષ દોશી દ્વારા વરાછા પોલીસ મથકમાં બંને અજાણ્યાં વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ સંદર્ભેની તપાસ પોસઈ વી.જે ઉંજીયા કરી રહ્યાં છે.અન્ય બીજા બનાવમાં કતારગામ અમરોલી રોડ સ્થિત ગજેરા સર્કલ ખાતે મહાવીર નગર સોસાયટીમાં રહેતાં અને પાનની દુકાન ચલાવતા શૈલેષભાઈ પોપટભાઈ કણકોટિયા બપોરે કતારગામ લક્ષ્મી એન્કલેવ-૨ પાસે આવેલી દત્તકૃપા સોસાયટીનાં ગેટ પાસેથી પસાર થતા હતા તે વેળા બાઈક સવાર બે અજાણ્યાં તેમનાં ગળામાંથી રૂ. ૧ લાખ કિમંતની ચેઈન ઝુંટવી ફરાર થઈ ગયા હતાં. બનાવ મામલે શૈલેષભાઈ કણકોટિયા દ્વારા કતારગામ પોલીસ મથકમાં બંને બાઈક સવાર અજાણ્યાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ફરિયાદ સંદર્ભેની તપાસ પોસઈ આર.એમ રાઠોડ કરી રહ્યાં છે.