
પાટણ જિલ્લાના હારીજ શહેરમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા હજી યથાવત જોવા મળી રહી છે.હારીજમા ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા યથાવત રહેતા આ સમસ્યા હવે માથાના દુખાવા સમાન બનવા પામી છે તેમજ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન થતા રોગચાળાની ભીતિ સેવાઇ છે ત્યારે તંત્ર દ્વારા ક્યારે કામગીરી હાથ ધરવામાં આવશે જે એક શહેરમાં લોકોના મુખે ચર્ચાનો વિષય બન્યો છે.

હારીજ શહેરના જાહેર માર્ગો તથા સોસાયટી વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના દુર્ગંધયુક્ત પાણી રેલાયા છે ત્યારે સ્કૂલે જતા બાળકો ,મહિલાઓ તથા સિનિયર સીટીઝનો સહિત બજારના વહેપારીઓને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે.હારીજ શહેરમાં પમ્પીગ સ્ટેશન કાર્યરત ન હોવાથી નગરની પરિસ્થિતિ નર્કાગાર બની છે તેવું શહેરના સ્થાનિકો જણાવી રહ્યા છે

કેપિ.હાઈસ્કૂલ,જલારામ પાર્કે,ધૂણીયા વિસ્તાર સહિત મુખ્ય બજારમાં દુર્ગંધ યુક્ત ગટરના ગંદા પાણી રેલાતા ભારે હાલાકી નો સામનો કરતા નગરજનો હવે ત્રાહિમામ પોકારી ઊઠયા છે.ગટરના ગંદા પાણીને લઈ ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા સ્થાનિકો રોષે ભરાઇ આગામી પાલિકાની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.લોકોએ પાલિકા તંત્રને અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ નહિ આવતા શહેરના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.









