31મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે શહેર પોલીસ દ્વારા વિવિધ એક્શન પ્લાન બનાવવામાં આવ્યા છે. જેમાં શહેરની તમામ શંકાસ્પદ હોટલો, ફાર્મ હાઉસ પર વોચ રાખવા,સતત વાહન ચેકિંગ, કોમ્બીગ કરવાની સાથે લિસ્ટેડ બુટલેગરો અને ડ્રગ્સના ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓ પર સર્વેલન્સ રાખવા માટે વિશેષ સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત 31stની ઉજવણીને લઇ અમદાવાદ પોલીસે બનાવ્યો ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં 6,000 જેટલા પોલીસકર્મી બંદોબસ્તમાં તહેનાત રહેશે, આ સાથે 500 બ્રેથ એનેલાઇઝર સાથે પોલીસકર્મી તહેનાત રહેશે.
31મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક્શન પ્લાન હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ખાસ સુચના આપવામાં આવી છે કે અગાઉ પોલીસ દરોડા પડ્યા હોય તે હોટલો, ફાર્મ હાઉસ તેમજ ઝડપાયેલા આરોપીઓ પર વોચ રાખવી. આ ઉપરાંત, શહેરના તમામ ડીસીપી, એસીપી, પોલીસ ઇન્સ્પેક્ટરોને તેમના સ્ટાફ સાથે વાહન ચેકિંગ અને કોમ્બિંગ કામગીરી માટે તાકીદ કરાઇ છે.
સંવેદનશીલ વિસ્તારમાં પણ પોલીસ બંદોબસ્ત
અગાઉ પોલીસ તપાસમાં હેલ્મેટ વગર અને ગાડીના કાચમાં બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓને રોકીને તપાસ કરવામાં આવી હતી. જ્યારે કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી હોય તેવી કારમાંથી બ્લેક ફિલ્મ પણ દૂર કરી હતી. ત્યારે હવે લિસ્ટેડ બુટલેગરો સામે વધુ કેસ કરવા સૂચના અપાઈ છે. CG રોડ, SG હાઈવે, સિંધુ ભવન રોડ પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત રહેશે. પાર્ટી પ્લોટ, ક્લબનાં આયોજકો સાથે પોલીસે બેઠક કરી છે. મહિલા સુરક્ષા માટે SHE ટીમ તહેનાત રહેશે. સંવેદનશીલ વિસ્તારમાં પણ બંદોબસ્ત રખાશે.