છોટાઉદેપુર જિલ્લાના મનો દિવ્યાંગ ખેલાડીઓએ પોતાની મર્યાદાઓને માત આપી રાષ્ટ્રીય કક્ષાએ ઝળહળતી સિદ્ધિ મેળવી છે. હરિયાણાના રોહતક ખાતે યોજાયેલ ‘સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત નેશનલ ચેમ્પિયનશીપ એથ્લેટિક્સ’ સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લાના બે ખેલાડીઓ ચારણ પ્રવીણભાઈ રાજુભાઈ અને રાઠવા ઉર્મિલાબેન સંજયભાઈએ કુલ ૫ મેડલ જીતી સમગ્ર ગુજરાત રાજ્ય અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મેડલ હાંસલ કરનાર ખેલાડીઓ સાથે જિલ્લા કલેકટર ગાર્ગી જૈને જિલ્લા કલેકટર કચેરી ખાતે મુલાકાત કરી હતી. કલેકટરે ખેલાડીઓના દ્રઢ મનોબળ, મહેનત અને કોચિંગ સ્ટાફના માર્ગદર્શનની પ્રશંસા કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા તેમજ ભવિષ્યમાં વધુ સફળતાઓ પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.