નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. જ્યારે મંગળવારે બપોરે નવી સિવિલ હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગમાં દર્દીના સગાએ રેસિડેન્ટ ડોક્ટરને તમાચો મારી દેતા હોબાળો થયો હતો. સોનોગ્રાફી કરવા માટે રૂમની અંદર જવા બાબતે ડોકટર અને દર્દીના સગાઓ વચ્ચે રકઝક થઈ હતી. ડોકટરે મહિલા દર્દીની વ્હીલચેરને ધક્કો મારતાં વિફરેલા સગાએ ડોક્ટરને તમાચો માર્યો હતો. ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ઘટનાની જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, ઉન પાટિયા ભીંડી બજાર ખાતે રહેતા અબ્દુલગની કુરેશી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મંગળવારે બપોરે તેની પત્ની સમીમબાનુ (ઉ.વ.૪૭) ને છાતીમાં દુખાવો થતો હતો. જેથી અબ્દુલગની પુત્ર આબીદ અહેમદ સાથે સમીમબાનુને ખાનગી વાહનમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. જ્યાં કેસ પેપર કઢાવી ઈમરજન્સી વિભાગમાં લઈ ગયા હતા. ત્યાં ડોકટરે સમીમબાનુને સારવારમાં ઈસીજી કરીને એક્સ- રે અને સોનોગ્રાફી કરવાનું લખ્યું હતું. જેથી પિરવારજનો સમીમબાનુને વ્હીલચેર ઉપર એક્સ-રે કરાવ્યા બાદ સોનોગ્રાફી વિભાગમાં લઈ ગયા હતા. જ્યાં અર્ધો-પોણો કલાક ઊભા રહ્યા હતા. ત્યારે સોનોગ્રાફી રૂમમાંથી કોઈએ તેમને સમીમબાનુને લઈ રૂમમાં આવવા માટે કહ્યું હતું. જેથી અબ્દુલગની પત્ની સમીમબાનુને લઈને રૂમમાં જઈ રહ્યો હતો ત્યારે અન્ય દર્દીને લઈને પણ તેમના સગા રૂમમાં જઈ રહ્યા હતા. અને સમીમબાનુની વ્હીલચેર સાથે અથડાયા હતા. જેથી ફરજ પરના રેસિડેન્ટ ડોક્ટર ત્યાં દોડી આવ્યા હતા અને સમીમબાનુની વ્હીલચેરને રેસિડેન્ટ ડોક્ટર જોરથી ધક્કો માર્યો હતો. અને રૂમની બહાર કાઢી નાખ્યો હતો. જેથી અબ્દુલગની અને રેસીડેન્ટ ડોક્ટર વચ્ચે રકઝક થઈ હતી. જેથી ગુસ્સામાં આવીને તેનો પુત્ર આબીદ અહેમદે રેસીડેન્ટ ડોક્ટરને તમાચો મારી દેતા હોબાળો થયો હતો. બાદમાં અબ્દુલગનીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં ખટોદરા પોલીસની પીસીઆર વાન પોલીસ કર્મી સાથે હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. અને મામલો થાળે પાડયો હતો. ત્યારબાદ દર્દી અને ડોકટરનું નિવેદન નોંધ્યું હતું. ઘટનાને પગલે મોડીરાત્રે નવી સિવિલ હોસ્પિટલના આરએમઓએ દર્દીના સગા સામે ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો જોવાનું જણાયું હતું.
2,532