
પાટણ – ગોલાપુર રોડ પર આવેલા દેના ગુજરાત સ્વરોજગાર તાલીમ કેન્દ્ર ખાતે આજે નાબાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલાદિન નિમિત્તે સખી મંડળની મહિલાઓ, વિવિધ એન જી ઓ અને પત્રકારત્વ વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મહિલા દિનની ઉજવણી પ્રસંગે પ્રેરક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના પત્રકારત્વ વિભાગના પ્રાધ્યાપક ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે સદીઓથી પાટણ એ મહિલા સશક્તિકરણ માટે રોલમોડેલ રહ્યું છે. ઇતિહાસ તેનું સાક્ષી રહ્યું છે. શ્રી સ્થળ ખાતે માતા દેવહુતીએ કપિલ મુનિને જન્મ આપ્યો અને તે પુત્રએ માતાને જ્ઞાન આપ્યું અને તેમના હર્ષના આંસુથી બિંદુ સરોવર બન્યું જેમાં ભગવાન પરશુરામે માતા રેણુકાનું શ્રાદ્ધ કર્યું આજે સમગ્ર વિશ્વ માતૃઋણમાંથી મુક્ત થવા આ ધરતી પર આવે છે. પાટણના સ્થાપક વીર વનરાજ ચાવડા ના પિતા અને પંચાસરના સાશક જયસિંખરી પર ભુવડે આક્રમણ કર્યું તે વખતે વનરાજ માતા રૂપસુંદરીના ગર્ભમાં હતા. 52 દિવસના યુદ્ધ બાદ જયશીખરી વિરગતી પામ્યા પણ તેમના વીર પુત્ર વનરાજને માતા રૂપિસુંદરીએ એવા સંસ્કાર આપ્યા અને જૈન મુનિ શીલગુણસુરીના આશીર્વાદ અને મિત્ર અણહિલ ભરવાડ ની સહાય થી પાટણની સ્થાપના થઈ ત્યારબાદ પાટણના રાણી ઉદયમતીએ રાજા ભીમદેવની યાદમાં રાણી ની વાવ બંધાવી પાટણને વૈશ્વિક નામના અપાવી, મીનળદેવીએ ઝઝિયા વેરો નાબૂદ કરાવ્યા સાથે ધોળકામાં મળાવ તળાવ બાંધતા એક સામાન્ય મહિલાને તેની ઝૂંપડી એકબંધ રાખી ન્યાય માટે ઓળખાયા, નાયિકા દેવીએ ઘોરી ને એવો ઘા કર્યો કે જીવ્યો ત્યાં સુધી પાટણ તરફ નજર કરી નહિ. ત્યારબાદ ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલે પણ પાટણને ગૌરવ અપાવ્યું છે.
આ પ્રસંગે નાબાર્ડ ડી ડી એમ રાકેશ વર્માએ આંતરાષ્ટ્રીય મહિલા દિન ની શરૂઆત અને આજે ભારતમાં મહિલાઓની પ્રગતિ માટે સખી મંડળોમાં કામ કરતી દેશની 1.44 કરોડ માતૃશક્તિ 2.50 લાખ કરોડની લોન લઇ આત્મનિર્ભર બની હોવાનું જણાવ્યું તેમણે વધુમાં મહિલાઓની ક્ષમતા, તેમના વિકાસ સંદર્ભમાં સરકારની નીતિ અને મહિલાઓના ઉત્કર્ષ માટે ચાલતી યોજનાઓ તરફ પ્રકાશ પાડ્યો હતો. સ્વરોજગાર કેન્દ્રના નિયામક દિનેશભાઇ જણાવ્યું હતું કે ભારત જ એક માત્ર દેશ છે જ્યાં નારીને શક્તિ સ્વરૂપા માની તેની પૂજા કરાય છે તેમણે વધુમાં ઉમેર્યું કે સંગઠનમાં શક્તિ છે ત્યારે આ કેન્દ્ર પણ 60 પ્રકારની તાલીમો આપે છે જેમાં ટેડી બિયર, ભરતગુથણ, વાસ તાલીમ વગેરે થકી આ વર્ષે 1060 તાલીમાર્થીઓમાંથી 850 બહેનો રહી છે. લીડ બેન્ક મેનેજર કુલદીપ ગેહલોતે જણાવ્યું હતું કે મહિલાઓ આત્મવિશ્વાસથી આગળ વધીએ તો લક્ષ પરિપૂર્ણ થાય છે આજે સરકારની અનેક યોજનાઓ મહિલાઓના ઉત્થાન માટે બની છે તેમણે મહિલાઓને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના લાભો સમજાવી આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો અને બેન્કિંગ સેવાઓની સમજ આપી હતી.
આ પ્રસંગે વિવિધ એનજીઓ સાથે જોડાયેલી બહેનો, સખી મંડળો અને પત્રકારત્વની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.