A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरात

ગ્રામ પંચાયતની ચૂંટણી: રાપર તાલુકામાં ત્રણથી ચાર ગ્રામ પંચાયત બિન હરીફ થવાની શક્યતા

તાલુકા મથકે ફોર્મ ભરવાના અંતિમ દિને ઉમેદવારો ઉમટી પડ્યા

રાપર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલો દિવસ હોતા સરપંચ પદના ઉમેદવારો અને તેના ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેના કારણે શહેર માં ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચ પદના ઉમેદવારોએ વિવિધ ગ્રામ પંચાયતોમાં દાવેદારી નોંધાવી હતી. જેમાં 29 ગ્રામ પંચાયત અને 30 પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. મામલતદાર એચ. બી. વાઘેલા અને તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલાના માર્ગદર્શન હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

આવતીકાલે તા. 11ના ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિન હોઈ આખરી ચિત્ર કાલે સ્પષ્ટ થશે. કેટલીક ગ્રામપંચાયતો માં જુના સરપંચોએ હથિયાર હેઠા મૂકી, મોટું મન રાખીને અન્ય દાવેદારોને ટેકો આપ્યો છે તો કેટલાક માજી સરપંચો સભ્યનું ફોર્મ ભરીને ઉપ સરપંચ બનવાના સપના જોઈ રહ્યા છે. હાલે ત્રણથી ચાર ગ્રામ પંચાયત બિન હરીફ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે તો કેટલીક ગ્રામ પંચાયતમાં ખરાખરીનો જંગ જામશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

કેટલાક પૂર્વ અને માજી સરપંચોએ આ વખતે હારના ડરના કારણે પોતે કે પોતાના પરિવારમાંથી ફોર્મ ભરવાનું પડતું મૂકીને અન્ય સમાજ કે દૂરના સગાને ઉતારીને ખુદ ચૂંટણીથી દુરી કરતા નજરે પડ્યા હતા. અમુક માજી સરપંચોના અરમાનો રોટેશન બદલતા અધૂરા રહી ગયા છે.

ગ્રામ પંચાયતોમાં રસાકસી જોવા મળશે રાપર તાલુકા ની 29 ગ્રામપંચાયતની ચૂંટણીમાં આ વખતે રામવાવ, ડેડરવા, ચિત્રોડ, ફતેહગઢ, બાલાસર, ગેડી, લોદ્રાણી, વેરસરા, બાદલપર, ટીંડલવા,ખેંગારપર, કુડા, માંજુવાસ, સણવા વિજાપર સહિતના ગામોમાં જંગ રોમાંચક થાય તેવું લાગી રહ્યું છે. જો કે, બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે.

 

Back to top button
error: Content is protected !!