
સુરતઃ શહેરમાં ઝાડા-ઊલટી અને તાવની બીમારીમાં સપડાતા વધુ એક બાળકી સહિત બેનાં મોત નીપજયા હતા. પીપલોદમાં શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની બાળકીનું અને સચિનમાં આધેડનું ઝાડા- ઉલટીમાં મોત નિપજ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ બિહાર વૈશાલીના વતની અને હાલ પીપલોદ ઈચ્છાનાથ ખાતે રહેતા બબલુ મહતો સેન્ટીંગ કામ કરી પત્ની તેમજ ત્રણ સંતાનોનું ભરણપોષણ કરે છે. બબલુના ત્રણ સંતાનો પૈકી ત્રણ વર્ષીય બાળકી ખુશીકુમારીને સોમવારે વહેલી સવારે અચાનક ઝાડા-ઉલટી થયા બાદ બેભાન થઈ ગઈ હતી. જેથી પરિવારજનો ખુશીકુમારીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી બાળકીને મૃત જાહેર કરી હતી.બીજા બનાવમાં મૂળ કલકત્તાના વતની અને હાલ સચિન વિસ્તારમાં આવેલ નવકાર સોસાયટીમાં રહેતા પૂર્ણાકમલ શરદચંદ્ર દેવનાથ (ઉ.વ.૫૦) સંચા ખાતામાં કામ કરી પત્ની તેમજ ત્રણ પુત્રીનું ભરણપોષણ કરતા હતા. ગતરોજ સવારે પૂર્ણાકમલની તબિયત લથડી હતી. બાદમાં તેમને ઝાડા-ઊલટી થતા બેભાન થઈ ગયા હતા. જેથી તેમને સારવાર માટે પરિવારજનો નવી સિવિલ ખાતે લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પૂર્ણાકમલને મૃત જાહેર કર્યા હતા.