गुजरात

વરસાદી માહોલ વચ્ચે સિદ્ધપુરની અતિ જોખમી સગર્ભા માતાની પ્રસુતી કરાવતું જિલ્લા આરોગ્ય તંત્ર. 

સિદ્ધપુરના ઠાકરાસણ ગામના રંજનબહેન ઠાકોરની ધારપુર હોસ્પિટલ ખાતે નોર્મલ ડિલેવરી કરાવાઈ. 

 

રાજ્યભરમાં ભારે વરસાદની પરિસ્થિતી જોવા મળી રહી છે. તમામ જિલ્લાઓમાં તંત્ર દ્વારા પુરતી કામગીરી કરવામાં આવી રહી છે. એવામાં પાટણ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આવી વરસાદની પરિસ્થિતી વચ્ચે સિધ્ધપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પચકવાડા ના પેટાકેન્દ્ર-ઠાકરાસણમાં અતિ જોખમી સગર્ભા માતા ઠાકોર રંજનબહેન નનુંજીની ભારે વરસાદ વચ્ચે ઠાકરાસણના આરોગ્ય સ્ટાફ દ્વારા જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ ધારપુર ખાતે સફળતા પૂર્વક નોર્મલ ડીલેવરી કરાવવામાં આવી હતી.

સગર્ભા માતાનું પહેલા ચેક અપ કરાવાતા હિમોગ્લોબીન ઓછું હોવાનું માલુમ પડ્યું હતું. તેમજ વજન પણ ઓછું હતું. પ્રસુતિના છ માસ સુધી વજનમાં નહિવત વધારો થતા આરોગ્ય સ્ટાફને શંકા જતા તેમનો તાત્કાલિક ટી.બી.નો રીપોર્ટ કરાવેલ હતો જે પોઝીટીવ આવેલ હતો. અને તેની તાત્કલિક દવા શરૂ કરવામાં આવી હતી. આવી બીમારીની વચ્ચે આ બહેનની ડીલેવરી કરાવવી મુશ્કેલ હતી. પરંતુ તાલુકા હેલ્થ ઓફિસર સિદ્ધપુરના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પચકવાડાના મેડિકલ ઓફિસર તેમજ પેટાકેન્દ્ર-ઠાકરાસણના આરોગ્ય સ્ટાફ દ્વારા રંજનબહેનને સમજાવીને સરકારી હોસ્પિટલ ખાતે ડીલેવરી કરાવવા અને તેના લીધે મળતી યોજનાકીય સહાયનો લાભ લેવા ભારપૂર્વક સમજાવવામાં આવ્યું હતુ.

રંજનબહેનને પ્રસુતિ પીડા ઉપડતા આરોગ્ય સ્ટાફે ચાલુ વરસાદે જઇને તેમને જી.એમ.ઈ.આર.એસ.હોસ્પિટલ ધારપુર ખાતે એડમિટ કરેલ હતા. અને તા.28/08/2024 ના બપોરે સમય-12.15 કલાકે સફળતા પૂર્વક નોર્મલ ડિલેવરી કરાવવામાં આવી હતી. જન્મ સમયનું બાળકનું વજન 2.3 કિ.ગ્રા જોવા મળ્યું છે. અને હાલમાં માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે. રંજનબહેન અને તેમનો પરિવાર પચકવાડાના મેડિકલ ઓફિસર તેમજ પેટા કેન્દ્ર-ઠાકરાસણના આરોગ્ય સ્ટાફનો આભાર માની રહ્યો છે.

 

 

Back to top button
error: Content is protected !!