બોડેલી શહેરમાં વર્ષોથી રસ્તાઓ ઉપર ફેલાયેલ ગેરકાયદેસર દબાણો સામે આજે નગરપાલિકા તંત્રએ કડક અને ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી હતી. જે કામ વર્ષો સુધી ગ્રામ પંચાયતના સમયમાં થઈ શક્યું નહોતું, તે કામ હવે બોડેલી નગરપાલિકા બનતા જ દમદાર રીતે શરૂ થતાં દબાણકારોમાં ભારે દોડધામ અને હલચલ મચી ગઈ હતી. અલીપુરા ચોકડીથી લઈને મુખ્ય બજાર, શાકભાજી માર્કેટ, દવાખાના વિસ્તાર સહિત શહેરના અનેક મુખ્ય માર્ગો ઉપર નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ વહીવટી મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકાની ટીમ દ્વારા ઓચિંતી રીતે હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી એટલી કડક હતી કે રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે મુકાયેલ સામાન, લારીઓ, શેડ, છત્રીઓ અને અન્ય અવરોધો સ્થળ પરથી તાત્કાલિક દૂર કરાવવામાં આવ્યા હતા. ખાસ કરીને શાકભાજી માર્કેટ વિસ્તારમાં ગરીબ ફેરિયાઓએ ફૂટપાથ ઉપર તંબુ અને છત્રીઓ બાંધી ધોમધખતા તાપમાં છાંયડો કરવાની વ્યવસ્થા કરી હતી, પરંતુ જાહેર માર્ગ ઉપર કરવામાં આવેલા દબાણને લઈને તંત્રએ કોઈ પણ પ્રકારની છૂટછાટ રાખી નહોતી. નગરપાલિકાની ટીમ દ્વારા રસ્તા ઉપર મુકાયેલી છત્રીઓ અને અન્ય સામાન પણ હટાવી લેવાતા વેપારીઓમાં ચકચાર મચી ગઈ હતી. કાર્યવાહી દરમિયાન અનેક લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાનો સામાન અને દબાણ હટાવી લીધા હતા. જ્યારે સૂચના છતાં દબાણ ન હટાવનારાઓનો સામાન નગરપાલિકાના ટ્રેક્ટરમાં ભરી સીધો નગરપાલિકા કચેરી ખાતે જમા કરવામાં આવ્યો હતો. તંત્રએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જાહેર માર્ગો ઉપર ગેરકાયદેસર કબજો, દબાણ કે અવરોધ હવે કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. નગરપાલિકા તંત્રએ લોકોને સમજાવ્યું હતું કે કાયદાની મર્યાદામાં રહી વ્યવસાય કરનાર લોકોને સંપૂર્ણ સહકાર આપવામાં આવશે, પરંતુ જાહેર માર્ગો કબ્જે કરીને લોકોની અવરજવર અને ટ્રાફિકને અવરોધનારાઓ સામે હવે નિયમ મુજબ કડક કાર્યવાહી થશે. બોડેલીમાં નગરપાલિકાની આ દબાણ હટાવો ઝુંબેશને લઈને શહેરભરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. લાંબા સમયથી ટ્રાફિક અને અવ્યવસ્થાથી પરેશાન રહેલા અનેક નાગરિકોએ તંત્રની કાર્યવાહીનું સ્વાગત કર્યું હતું અને શહેરને દબાણમુક્ત બનાવવા માટે આવી કામગીરી સતત ચાલુ રાખવાની માંગ ઉઠાવી હતી.