છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જબુગામ જિલ્લા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ શાનદાર જીત નોંધાવી છે. ભાજપના ઉમેદવાર સહર્ષાબેન શશીકાંતભાઈ રાઠવાએ કુલ 8559 મત મેળવી બહુમતી સાથે વિજય મેળવ્યો છે. વિજયની જાહેરાત બાદ ઉમેદવારનો ભવ્ય વિજય સરઘસ જિલ્લા પંચાયતના વિવિધ ગામોમાં નીકળ્યો હતો. આ સરઘસમાં મોટી સંખ્યામાં સમર્થકો, મતદારો અને ભાજપના કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ડીજેના તાલ સાથે નીકળેલા સરઘસ દરમિયાન લોકોએ ઉમેદવારને ફુલહાર પહેરાવી, કુમકુમ તિલક કરી અને મીઠાઈ ખવડાવી ઠેર ઠેર આત્મીય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વિજેતા ઉમેદવાર સહર્ષાબેન રાઠવાએ તમામ મતદારો, કાર્યકરો અને સમર્થકોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવનારા સમયમાં દરેક મતદાર સાથે ખભે ખભા મિલાવી વિકાસના કાર્યોને આગળ ધપાવવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીની વિકાસયાત્રાને વધુ ગતિ આપવામાં આવશે.