
કોલકાતામાં એક તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથે કરવામાં આવેલી નિર્દયતા સામે દેશભરમાં આક્રોશ છે. ડોક્ટરો હડતાળ પર છે ત્યારે અન્ય સંગઠનો પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે. દરમિયાન બુધવારે સુરત જિલ્લા કોર્ટ પરિસરમાં વકીલોએ પણ હાથમાં લાલ રીબીન બાંધીને મૌન રેલી કાઢી વિરોધ વ્યક્ત કર્યો હતો.સુરત જિલ્લા વકીલ મંડળના ચૂંટાયેલા સક્રિય કાઉન્સિલ સભ્યો દ્વારા બુધવારે મૌન રેલીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વકીલોને ભાગ લેવા આહવાન કરવામાં આવ્યું હતું. જોકે જિલ્લા મુખ્ય ન્યાયાધીશ દ્વારા આ માટે વકીલોને મંજૂરી આપવામાં આવી ન હતી.આમ છતાં સુરત જિલ્લા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ પી.ટી. રાણા, એડવોકેટ આર.વી. કોરાટ, ગૌતમ દેસાઈ, પ્રીતિ જોષી, દીપક કોકસ, નીલેશ માણિયા, અનિલ જાધવ, રિદ્ધિશ મોદી, ઉર્મિલા બારોટ, કિર્તન સાલ્વે, ચેતના શાહ, જ્યોતિ પાંડે, પંકજ કાકલોતકર વગેરે હાજર રહ્યા હતા.સોનલ શર્મા, સરોજ શર્મા સહિતના સક્રિય કાઉન્સિલ સભ્યો સાથે ૪૫૦થી વધુ વકીલોએ તેમના હાથ પર લાલ રિબન બાંધીને કેમ્પસમાં રેલી કાઢી હતી. સૌએ સાથે મળીને આ ઘૃણાસ્પદ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને પીડિતા પર અત્યાચાર ગુજારનાર આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી હતી.