છોટાઉદેપુર જિલ્લામાં માર્ગ સુરક્ષા અને ટ્રાફિક જાગૃતિ વધારવાના હેતુથી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિનામૂલ્યે હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ, વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સાહેબ, છોટાઉદેપુરના માર્ગદર્શન અને સૂચનાના આધારે ટ્રાફિક નિયમો પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ટ્રાફિક શાખાના નાયબ શ્રી એ.ડી. ચૌહાણ તથા છોટાઉદેપુર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી રાખી બોડેલી ખાતે વાહનચાલકોને વિનામૂલ્યે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ દ્વિચક્રી વાહનચાલકોને હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવાની અપીલ કરી હતી. આ પહેલનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોમાં થતા જાનહાનિના બનાવો ઘટાડવાનો અને લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો છે.