
આ વખતે ચોમાસામાં શહેરમાં ભુવા પડવાની સંખ્યા વધી ગઈ છે. ઠેર ઠેર પડી રહેલા ભુવાઓથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તેમજ અકસ્માતનો ભય પણ વધ્યો છે. વિપક્ષ આપ અને કોંગ્રેસ બન્ને આ મુદ્દે ભાજપ શાસનમાં રસ્તાના કામોમાં થતા ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે શુક્રવારે વરાછાના લાભેશ્વર ચોક ખાતે વિરાટ ખાડો પડતા તેમાં વરસાદનું પાણી પણ ભરાતા આસપાસના લોકો તેમજ અહીંથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી. આ મુદ્દે શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કારોબારી
પ્રમુખ દિનેશભાઈ સાવલિયા તેમજ કોંગી કાર્યકરો સુરેશભાઈ સુહાગિયા, નિલેશભાઈ ડોંડા, દીપક હડિયા, ચેતનભાઈ રાદડિયાએ લાભેશ્વર ચોક ખાતે પડેલા ખાડામાં કમળ રોપીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને ઉજાગર કરતા ખાડા શહેરમાં પડેલા છે. જે લોકોને ત્રાસદાયી થાય છે એવા ખાડાની અંદર આજરોજ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનાં ચિહ્ન એવા કમળનું રોપાણ કરી અને તાત્કાલિક ધોરણે ખાડાનું પુરાણ થાય તેવો સંદેશો શાસકોને આપવાનો પ્રયાસ કર્યો છે.




