
સગા-સંબંધી અને સ્નેહીઓને પદ અપાવવાના ઓરતા અધૂરા રહ્યા
રાપર તાલુકામાં પંચાયતની ચૂંટણીનાં અનેક ગામનાં પરિણામ અણધાર્યા આવ્યા છે, જેમાં સત્તાપક્ષની નેતાઓની કથિત પકડ પણ પાધરી થઈ ગઈ છે. તાલુકાની કેટલિક ગ્રામપંચાયતોમાં તાલુકા ભાજપના અગ્રણીઓની પેનલનાં ઉમેદવારોને મતદારોએ પરાજયનો સ્વાદ ચખાડી ઘરે બેસાડી દીધા છે.
રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયાની પેનલનો ગેડી ગ્રામપંચાયતમાં પરાજય થયો છે. આ ઉપરાંત રાપર તાલુકા ભાજપ મંત્રી ભરત મઢવીની પેનલની માખેલમાં હાર
થઈ છે. તો બીજીતરફે, બેલા ગામમાં રાપર તાલુકા પંચાયત પ્રમુખ કેશરબેન બગડાની પેનલ, ચિત્રોડમાં ભાજપ અગ્રણી સામતભાઈ રાજપૂતની પેનલ, આણંદપરમાં તાલુકા પંચાયતનાં સદસ્ય બકુલભાઈ ઠાકોરની પેનલ, આડેસરમાં જિલ્લા પંચાયતનાં ચેરમેન અને પૂર્વ સરપંચ ભગાભાઈ આહીરની પેનલને મતદારોએ હારનો સામનો કરાવી દીધો છે. ગામપંચાયતની ચૂંટણીમાં ભાજપના જ કેટલાક કાર્યકરોએ તેમનાં પક્ષનાં જ કાર્યકર અને અગ્રણીનાં નજીકનાં સગા-સંબંધીઓને હરાવ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
આમ, સત્તાપક્ષની આંતરિક લડાઈ
ગ્રામપંચાયતની ચૂંટણીમાં ખૂલીને બહાર આવી ગઈ છે.
આમ તો ગ્રામપંચાયતની ચૂંટણી કોઈ રાજકીય પક્ષના ચિહ્ન પર લડાતી નથી પણ છેલ્લા કેટલાક વર્ષોથી ઔદ્યોગિક વિકાસ અને સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ગ્રામપંચાયતોને ફાળવાતી હોવાથી પંચાયતમાં સુકાની પદે બેસવા ગળાકાપ હરીફાઈ થઈ રહી છે અને રાજકીય સત્તાપક્ષનાં કેટલાક લોકો પોતાનાં સગા-સંબંધીઓને સરપંચ પદે તથા વોર્ડ સભ્ય તરીકે ચૂંટણી લડાવીને તેનો જોરશોરથી પ્રચાર પણ કરતા હોવાનું સામે આવી રહ્યું છે અને તેવા ઉમેદવારોની હાર પણ થઈ છે.
રાપર તાલુકા મા લગભગ એક જ ભાજપ નેતા એવા રાપર તાલુકા પંચાયત ના પુર્વ પ્રમુખ અને સણવા ગામ ના આગેવાન જયદીપ સિંહ જાડેજા ની પેનલ નો સણવા ગામ મા વિજય થયો બાકી ના મોટા ભાગના ભાજપ નેતા ની પેનલ ને પરાજય નો સામનો કરવો પડ્યો છે