શિક્ષણ એ સફળ અને ઉજ્જવળ જીવનનો પ્રથમ અને મૂળભૂત પાયો છે બે દશકથી દર વર્ષે રાજ્યભરમાં અવિરત ચાલતા શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આ વર્ષે શાળા પ્રવેશોત્સવ ઉજવણીના ત્રીજા દિવસે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીએ શાળાનું પગથિયું ચઢતા ભૂલકાઓ અને ધો. ૯ અને ૧૧ વિદ્યાર્થીઓને પાઠયપુસ્તક સાથેની શૈક્ષણિક કીટ આપી શાળાપ્રવેશ કરાવ્યો હતો. બોડેલી તાલુકાની બોડેલી કન્યા શાળામાં બાલવાટિકામાં ૨૮ અને ધો.૧માં ૬, ખત્રી વિદ્યાલય ખાતે ધો.૯ માં ૧૨૫ અને ધો ૧૧માં ૭૩ અને સી એન બક્ષી હાઈસ્કુલ જબુગામ ખાતે ધો ૯માં ૧૧૦ ધો.૧૧માં ૫૨ મળી એમ કુલ ૩૯૪ ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીએ ધો.૯ અને ૧૧માં પ્રવેશ મેળવી રહેલા બાળકોને અભિનંદન આપતા ઉચ્ચ શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે, શિક્ષણ એ સફળ અને ઉજ્જવળ જીવનનો પ્રથમ અને મૂળભૂત પાયો છે. વડાપ્રધાનશ્રી દ્વારા વર્ષ ૨૦૦૩થી શરૂ કરાયેલા શાળાપ્રવેશોત્સવનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના દરેક બાળકોને મૂળભૂત શિક્ષણનો અધિકાર આપી સરેરાશ શિક્ષણનું સ્તર વધારવાનો તેમજ દીકરીઓને અભ્યાસ માટે પ્રોત્સાહન આપવાનો હતો. એક શિક્ષિત વ્યક્તિ આખા પરિવાર અને સમાજને ઉન્નતિ તરફ લઈ જાય છે. વિદ્યાર્થીઓ સરકારી શિક્ષણ સહાયનો મહત્તમ લાભ લઈ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવુ અને પરિવાર, સમાજ, દેશનું નામ વૈશ્વિક ફલક પર રોશન કરવા આહવાન કર્યુ હતું. વધુમાં તેમણે કહ્યું કે, બાળકના સર્વાંગી વિકાસમાં સમાજનો ફાળો પણ ખૂબ અગત્યનો છે. તેથી વાલી અને વડીલોએ શિક્ષણને ખાસ મહત્વ આપવુ જોઈએ. નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈએ શાળા પ્રવેશોત્સવ પ્રસંગે તેજસ્વી બાળકોનું સન્માન કર્યું હતું. તેઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરસિંગભાઈ, સરપંચશ્રીઓ, શાળાના આચાર્યશ્રીઓ, શાળાના સ્ટાફ, એસએમસીના સભ્યો, ગામના અગ્રણીઓ, વાલીઓ, ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.