
સચીનના પોલીસ પુત્ર રવીન્દ્ર પાટીલની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. હત્યા કરનાર તેના મિત્રની ધરપકડ કરાઈ છે.સચિન પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ ગત તા. ૧૩/૮/૨૪ ની સવારે શિલાલેખ એપાર્ટમેન્ટમાં એક રૂમ રસોડાનાં ફ્લેટમાં રહેતાં ૩૯ વર્ષીય મહારાષ્ટ્રીયન રવીન્દ્ર સંતોષ પાટીલની ડીકમ્પોઝ હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ઝઘડાનાં પગલે પત્ની તેને છોડી મહારાષ્ટ્ર ખાતે ચાલી ગયા બાદ એકલો રહી છૂટક મજૂરીકામ કરતાં રવીન્દ્ર પાટીલને એક સ્ત્રી મિત્ર સાથે શારીરિક સંબંધ હતાં. બનાવની રાત્રે હોજીવાલા ખાતે કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો મિત્ર જીતેન્દ્ર રાણે તેનાં ઘરે આવ્યો હતો. બંને મિત્રોએ સાથે દારૂ પીધા બાદ નશામાં ધૂત રવીન્દ્ર તેની સ્ત્રી મિત્ર સાથે શરીર સંબંધ બાંધી પરત થયો હતો. તે વેળા મિત્ર જીતેન્દ્રએ તેની સ્ત્રી મિત્રને રૂમ પર બોલાવી બંને સાથે મળી શરીર સંબંધ બાંધવા કહ્યું હતું. તે વેળા રવીન્દ્ર દ્વારા જીતેન્દ્રની પત્નીને રૂમ પર લાવવા કહેતાં બંને મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન આવેશમાં આવી જીતેન્દ્ર ઘરમાં રહેલો ગેસ સિલિન્ડર રવીન્દ્રનાં માથાનાં ભાગે મારી મોત નિપજાવી બારણું આડું કરી ચાલ્યો ગયો હતો. બનાવ મામલે મૃતકનાં ભાઈ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદનાં આધારે એસીપી નિરવસિંહ ગોહિલની સૂચના મુજબ પી.આઈ પ્રદ્યુમનસિંહ વાઘેલા અને તેમની ટીમે ઘટના સ્થળના ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી. હત્યારા લેબર કોન્ટ્રાક્ટર જીતેન્દ્ર કૈલાશભાઈ રાણે (ઉ.વ. ૪૧, રહે. ઘર નં. ૯૭, રામેશ્વર સોસાયટી, આઈ.ટી.આઈ બાજુમાં, પારડી, સચિન, સુરત. મૂળ વતન. વોર્ડ નં. ૧૫, ગામ/ થાના. કસરાવદ, જી. ખરગોન, મધ્યપ્રદેશ) ને ઝડપી પાડ્યો હતો. યુક્તિપૂર્વક પુછપરછ કરવામાં આવતાં તેણે ગુનાની કબુલાત કરી હતી. જે આધારે સચિન પોલીસ દ્વારા ગતરોજ જીતેન્દ્ર રાણે ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફરિયાદ સંદર્ભેની વધુ તપાસ અને કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન વાઘેલા કરી રહ્યાં છે.