
કોલકત્તાની મહિલા ડોક્ટર સાથે થયેલા નિર્દથી કૃત્યના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના નેજા હેઠળ નવસારી, વલસાડ, તાપી અને સુરત જિલ્લાના ડૉક્ટરોએ ૨૪ કલાક ઓપીડી બંધ રાખી કાળીપટ્ટી ધારણ કરી મહિલા ડોક્ટરોની સુરક્ષાની માંગણી સાથે પિડીતા માટે ન્યાયની માંગણી કરી.હતી. કોલકત્તાની આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેઈની મહિલા ડોક્ટર પર દષ્કર્મ અને તેની હત્યાની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.આજે દેશભરની સાથે જ નવસારીમાં પણ ડોક્ટરો આ ઘટનાની વિરોધમાં ઓપીડી ૨૪ સેવા બંધ રાખી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. નવસારી મેડિકલ. એસો.ના ૩૧૦ ડોક્ટરો બંધમાં જોડાયા હતા. નવસારી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ કાળી પટ્ટી લગાવી ઓપીડી સહિત સેવા ચાલુ રાખી હતી. જેના પગલે દર્દીનો સિવિલ હોસ્પિટલમાં ધસારો રહ્યો હતો. ડોક્ટરોએ રેલી કાઢી ડોક્ટરોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી સરકાર પાસે સુરક્ષા માટે જરૂરી કાયદા ઘડવાની માંગણી કરી હતી.તાપી જિલ્લાના વ્યારા ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ ડેન્ટલ, ફિઝિયોથેરેપી, ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર, ગુજરાત મેડિકલ ઓફિસર ક્લાસ ટુ સહિત વિવિધ એસો.ના અગ્રણી ડોકટરો કાળીપટ્ટી ધારણ કરી હડતાળમાં જોડાયા હતા. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જિલ્લા કક્ષાના સરકારી ડૉક્ટરોએ પણ વિરોધ દર્શાવ્યો હતો. સાંજે વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી વિભાગ બહાર ટ્રેની ડોકટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતુ. કુકરમુંડા તાલુકામાં પણ ડોક્ટરો એ આવેદન આપી સોમવારે તમામ ક્લિનિક બંધ રાખવાની જાહેરાત કરી હતી. વલસાડ IMAના તમામ ડોક્ટરો.દ્વારા ઓપીડી, દવાખાના, લેબોરેટરી,નિદાન કેન્દ્રો ૨૪ કલાક બંધ રાખવામાં આવ્યા હતા. અને કોલકતામાં મહિલા તબીબની ઘાતકી હત્યામાં જવાબદારોને તાત્કાલિક કડક સજા થાય અને સમગ્ર દેશમાં ડોક્ટરોની સુરક્ષામાં વધારો થાય તેવી માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું હતુ. વાપી અને પારડીના ડૉક્ટરો પણ હડતાળમાં જોડાયા હતા. વાપીના ગુંજન વિસ્તારમાં મોડી સાંજે કેન્ડલ માર્ચ રેલી પણ કાઢી હતી. આ રેલી જીઆઇડીસી પોલીસ મથકે પહોંચી હતી અને આવેદન આપ્યું હતુ.