
સુરત શહેરમાં બોગસ તબીબોનો ફાટ્યો રાફડો. સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે એક ઓપરેશન હાથ ધરી પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાં લોકોની જીંદગી સાથે ચેડાં કરતા ૧૬ બોગસ ડોક્ટરોને ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી દવાઓ, ઇંજેક્શન, સીરપ મળી કુલ રૂ.૨.૩૫ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.સુરત શહેરના પાંડેસરા, ઉધના, ડિંડોલી, લિંબાયત, સહિતના અન્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકો રહે છે. મોટાભાગના વિસ્તારોમાં નાના- મોટા ઉદ્યોગ એકમો પણ આવ્યા છે. દરમિયાન આ વિસ્તારોમાં નકલી ડોક્ટરો દવાખાના ખોલીને ચલાવતા હોય છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંધ ગહલૌત દ્વારા સુરત શહેર વિસ્તારમાં કોઈપણ જાતની ડોક્ટરની ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રી આધારે દવાખાનાઓ ખોલી લોકોની જીંદગી સાથે ચેડા કરતા નકલી ડોક્ટરોને શોધી કાઢવા સુચના આપી હતી. જે માર્ગદર્શનના આધારે શહેર એસઓજીના પીઆઈ એ.પી. ચૌધરી અને પીઆઈ એ.એસ. સોનારાએ આ દિશામા તપાસ કરવા એક ઓપરેશન હાથ ધર્યું હતું. એસઓજીના બંને પીઆઈઓના માર્ગદર્શન હેઠળ પાંચ પીએસઆઈઓની આગેવાની હેઠળ અલગ-અલગ ટીમો બનાવી હતી. ત્યારબાદ પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાં એસઓજી પોલીસે જિલ્લા પંચાયત હેલ્થ વિભાગના અધિકારીઓ સાથે ડિગ્રી વગર અને બનાવટી ડિગ્રી બનાવી પ્રેકટીસ કરતા તબીબોની ક્લીનીકોમાં રેડ કરી હતી. આ દરમિયાન એસઓજી પોલીસના ઓપરેશનમાં પોલીસે પાંડેસરામાંથી ૦૯ અને ડિંડોલી વિસ્તારમાંથી ૦૭ એમ મળી કુલ ૧૯ બોગસ ડોક્ટરોને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓની ક્લિનિકમાંથી અલગ-અલગ પ્રકારની દવાઓ, ઈંજેક્શનો, સિરપો મળી કુલ્લે રૂ.૨,૩૫,૪૫૦ નીમતાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસ તપાસમાં પકડાયેલ તમામ બોગસ ડોક્ટરો બિહાર, યુપી,પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના વતની છે. અને તેઓ પહેલા અલગ-અલગ દવાખાનામાં પટાવાળાની નોકરી કરતા હતા.અને ત્યારબાદ તેમને દવામા ખબર પડવા લાગી હતી. જેથી આર્થિક લાભ મેળવવા તેઓ પોતાના ક્લિનીક ખોલીને દવાખાનુ ચાલુ કર્યું હોવાની કબૂલાત કરી હતી. આ અંગે વધુ તપાસ એસઓજી પોલીસકરી રહી છે. સાથે પોલિસે એ પણ તપાસ હાથ ધરવી જોઈએ કે આ બધા કહેવાતા બોગસ ડૉક્ટર ને સુરત શહેર માં પ્રેક્ટિસ કરવાં માટે કોણ પ્રોત્સાહન આપી રહ્યું છે તે પણ એક તપાસ નો વિષય બની ગયો છે.




