
રાપર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આજે રાપર મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી.
ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલના માર્ગદર્શન હેઠળ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. રાપર તાલુકા મામલતદાર એચ.બી. વાઘેલા અને નાયબ મામલતદાર બી.કે. કોરોટની દેખરેખમાં બંને કચેરીઓમાં ફોર્મ ચકાસણીનું કામ ચાલ્યું હતું
મામલતદાર એચ.બી. વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું કે આજે બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ ચકાસણીની કામગીરી ચાલી હતી. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. રાપર તાલુકામાં કુલ 29 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને 20 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાનાર છે.
હાલ સમગ્ર વાગડ વિસ્તારમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ફોર્મ ચકાસણી દરમિયાન માન્ય રહેલા ફોર્મની વિગતો મામલતદાર કચેરી દ્વારા જાહેર કરવામાં આવી છે.