દાતા થી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં હોળીનો દંડ રોપાતા હોળી પર્વની તૈયારીઓ શરૂ થઈ જાય છે . હોળીના પંદર દિવસ પહેલાં “હોળી માતાના પાપડ” બનાવવાની પરંપરા છે. આ પરંપરા મુજબ આદિવાસી સમુદાયમા “હોળી માતાના પાપડ” બનાવવા હુંડેલ નામની સામાજિક વ્યવસ્થા કરવામાં આવી છે. સૌ પ્રથમ ગામના પટેલના ઘરે હુંડેલ ટોળી “હોળી માતાના પાપડ” બનાવવાની શરૂઆત કરે છે. હુંડેલ ટોળી ઘરે ઘરે “હોળી માતાના પાપડ” બનાવે છે. આ પાપડમાંથી પાંચ પાપડ અલગ રાખવામાં આવેલ છે જે હોળી પૂજન માટે હોય છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ . ગામની હુંડેલ (મહિલા સમૂહ) ૧૦ જેટલી બહેનોએ સંગઠિત થઈને ‘નેજાધારી મિશન મંગલમ’ હેઠળ દેશી પાપડ(અડદના પાપડ)નો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે. ‘નેજાધારી મિશન મંગલમ’ ગૃહ ઉદ્યોગના સંચાલક પારુલબેન કોચલાએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં બહેનોએ દેશી પાપડ બનાવવાની ૧૦ દિવસની તાલીમ આપવામાં આવી હતી. મહિલા ગ્રામ સંગઠન દ્વારા આર્થિક સહાય મેળવીને Atta Mixing મશીન ખરીદવામાં આવ્યું. આજે આ મશીનની મદદથી બહેનો દરરોજ આશરે ૪ કિલો જેટલા શુદ્ધ અડદના દેશી પાપડ બનાવે છે. પાપડ બનાવવાની પ્રક્રિયા વિશે વાત કરતા પારૂલબેન જણાવે છે કે, સવારે ૧૦ વાગે બહેનો આવી પાપડ બનાવવાનુ કામ શરૂ કરે છે. લોટ ચાળીને તેમાં પાપડખાર અને મીઠું જેવા કુદરતી મસાલા ઉમેરીએ છીએ. Atta Mixing દ્વારા લોટ બાંધી તેના યોગ્ય વજનના લુઆ કરવામાં આવે છે. લુઆ બન્યા બાદ તમામ બહેનો સાથે મળીને પાપડ વણી સૂર્યપ્રકાશમા પાપડ સૂકવે છે. આ સુકવાતા પાપડમાં પરંપરાની સુગંધ અને મહેનતનો સ્વાદ સમાયેલો છે. બહેનો શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખે છે. પારૂલબેન કહે છે કે હોળી, અખાત્રીજ અને દીવાસો જેવા મોટા તહેવારોમાં આ દેશી પાપડની માંગ વધી જાય છે. લોકો આખું વર્ષ સંગ્રહ કરવા માટે અહીંથી જ પાપડ ખરીદવાનું પસંદ કરે છે. નેજાધારી મિશન મંગલમ’ ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર થયેલા પાપડ રૂ.૪૦૦ પ્રતિ કિલો અને રૂ.૨૦૦ ના ૫૦૦ ગ્રામ લેખે વેચાય છે. જો કોઈ ગ્રાહક ૧૦ કિલોથી વધુનો ઓર્ડર આપે તો તેને ખાસ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. આ બહેનો છોટાઉદેપુર અને પાનવડ હાટ બજારમાં પણ પાપડનું વેચાણ કરે છે. હાટ બજારમાં રૂ. ૫૦ અને રૂ. ૧૦૦ ના પેકેજમાં દેશી પાપડ વેચે છે. આમ આખું વર્ષ સ્થાનિક લોકોને દેશી પાપડ મળી રહે છે. આ ગૃહ ઉદ્યોગની બહેનોને દર ૧૫ દિવસે તેમના પગાર ચુકવવામાં આવે છે. ૧૫ દિવસે મળતા પગારથી તેઓ બચત કરી આર્થિક રીતે પગભર બની છે. આદિવાસી સમુદાયની હુંડેલ પરંપરાને નવુ સ્વરુપ આપી બહેનો પગભર અને આત્મનિર્ભર બની છે.