
બહેરામપુરાના પરીક્ષિતલાલ નગર ક્વાર્ટર્સ અને ભીલવાસ વાસુદેવધનજીની ચાલીમાં છેલ્લા *૧૨* દિવસથી ખૂબ જ ગંદુ પાણી આવતું હતું. જેની સ્થાનિકો દ્વારા સ્થાનિક કોર્પોરેટર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારીઓને ઘણીવાર રૂબરૂ તથા લેખિત અને મૌખિક રજૂઆત કરેલ છે. પરંતુ અધિકારીઓ દ્વારા કામ થઈ જશે તેવો દિલાશો માત્ર આપવામાં આવેલ હતો. અને કામ શરૂ કરેલ નહીં. આ કામ લંબાવતા ગંદા પાણીનાં લીધે હાલ સ્થાનિકોમાંથી અંદાજે ૩૦૦ થી વધુ લોકો ઝાડા ઉલ્ટી, પેટમાં દુખાવો અને કોલેરા જેવી ગંભીર બીમારીઓમાં સપડાયા છે. જેમાં ૫૦ થી વધુ લોકો સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ છે. તેમજ સ્થાનિક દવાખાનાઓ માંથી દવા લઈ ઘરે બીમારીની હાલાતમાં ઘરેજ પડયા છે. સરકારી હોસ્પિટલમાં આ બીમારીના કેસો વધી જવાના કારણે જગ્યા ખૂટી પડી છે જેના કારણે એડમિટ થવા લાયક બીમાર વ્યક્તિને માત્ર દવા આપી ઘરે મોકલી દેવામાં આવે છે જેથી તેમની પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
વિસ્તારમાં કોઈ ઘર બાકી નથી જ્યાં કોઈ બીમાર ન હોય. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ એક નાની છોકરી બીમારીનાં લીધે અવસાન પામેલ છે. તથા પીવાનું પાણી જે ટાંકીમાંથી આવે છે તે ટાંકી સાફ થયેલ નથી અને તેમાં કુતરા-બિલાડા મરેલા પડ્યા છે અને ખૂબ જ ગંદુ ગંધ મારતું પાણી આવે છે. જેથી લોકોની નીચે મુજબની માંગણીઓ છે:
માંગણીઓ :
(૧) સ્થાનિકો માટે તત્કાલિન પીવા લાયક પાણીની સુવિધા કરવી.
(૨) જે ટાંકી માંથી પાણી સપ્લાય થાય છે તેની તત્કાલીન વ્યવસ્થિત સફાઈ કરવામાં આવે.
(૩) જ્યાં-જ્યાં પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ પડેલ છે તે લાઇન બદલી નવી લાઇન નાખવામાં આવે.
(૪) બીમાર લોકોની ઘેર-ઘેર જઈ તપાસ કરવામાં આવે અને તેમને યોગ્ય સારવાર આપવામાં આવે.
(૫) જે નાની બાળકીનું અવસાન થયેલ છે તેની તપાસ કરી તેને યોગ્ય વળતર આપવામાં આવે. અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
(૬) સરકારી હોસ્પિટલોમાં જગ્યા ના હોવાનાં કારણે એડ્મિટ થવા લાયક બીમારોને દવા આપી ઘરે મોકલી દેવામાં આવે છે. તેવા બીમારો માટે વ્યવસ્થા કરી તેમણે હોસ્પિટલમાં સારવાર માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે.