Jamnagar: ગુજરાતમાં અકસ્માતના બનાવોમાં દિવસેને દિવસે ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે જામનગરમાં વધુ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં જામનગર-જોડિયા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર થતાં સર્જાયેલા અકસ્માતમાં 3ના મોત નીપજ્યાં હતા, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર-જોડિયા હાઈવે પર સચાણા ગામ નજીકથી આઈ-ટેન કાર (નંબર GJ-10-BR- 3201) પસાર થઈ રહી હતી.
આ સમયે સામેથી પુરપાટ આવી રહેલ કચ્છ જિલ્લાની અનુ ટ્રાન્સપોર્ટ કંપનીની ટ્રક (નંબર GJ-12-BV-3071) ધડાકાભેર કાર સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી, કારનું પડીકું વળી ગયું હતુ.
આ અકસ્માતમાં કારમાં સવાર 4 પૈકી 3 જણાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એક યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતમાં કાર અડધી ટ્રકની અંદર ઘૂસી ગઈ હતી. જેથી કારમાં સવાર લોકો નીકળી શકે તેમ ના હોવાથી જામનગર મનપાની ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. જેણે JCBની મદદથી કારને બહાર ખેંચી હતી, જે બાદ કારના પતરા કાપીને બંને યુવાનોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
બીજી તરફ આ અકસ્માતની જાણ થતાં પંચકોશી એ-ડિવિઝન પોલીસ મથકનો કાફલો તેમજ 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જેણે મૃતદેહોનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. જ્યારે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડ્યો છે.
કારના નંબરના આધારે હાથ ધરેલી તપાસના અંતે મૃતકોની ઓળખ વિશાલ સરવૈયા (35), સાહિલ લીંબડ (19) અને રોહિત (19) તરીકે થઈ છે. જ્યારે રાહુલ લીંબડ (22)ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.