ડીસામાં ૫૦ લાખની ખંડણી માટે બે વેપારીનું અપહરણ; ૬ બોગસ પોલીસ અને લેભાગુ પત્રકાર સામે ગુનો
બનાસકાંઠાના વેપારી મથક ડીસા જી.આઈ.ડી.સી. (GIDC) માંથી ગઈકાલે બે જાણીતા વેપારીઓનું બોગસ પોલીસ બની આવેલા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં ડીસાના સ્થાનિક લેભાગુ પત્રકારની સંડોવણી પણ બહાર આવી છે. બનાવ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ૭ લોકો વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ડીસા GIDC માંથી પરેશ મોદી અને જીગ્નેશ મોદી નામના બે વેપારીઓનું બે ગાડીઓમાં આવેલા અજાણ્યા ૬ શખ્સોએ અપહરણ કર્યું હતું. અપહરણકર્તાઓએ પોતાની ઓળખ ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી અને મોબાઈલ ફોનમાં પોલીસનું આઈ-કાર્ડ બતાવી બંને વેપારીઓને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી દીધા હતા.ત્યારબાદ અપહરણકર્તાઓ બંને વેપારીઓને ગાંધીનગર તરફ લઈ ગયા હતા. અને મુક્તિના બદલામાં ₹૫૦ લાખની તોતિંગ ખંડણીની માંગણી કરી હતી. જોકે, બાદમાં અપહરણકર્તાઓ બંને વેપારીઓને અડાલજ ચોકડી નજીક ઉતારીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા તે દરમિયાન આ સમગ્ર ષડયંત્રમાં ડીસાના જગતસિંહ સોલંકી નામના એક લેભાગુ પત્રકારની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. અપહરણનો ભોગ બનેલા વેપારીએ આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પત્રકાર જગતસિંહ સોલંકી સહિત કુલ ૭ શખ્સો સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.